જાપાનમાં ગુરૂવારના રોજ ઈંધણ ભરાવતી વખતે આકાશમાં બે અમેરિકી વિમાન એફ-૧૮ ફાઈટર પ્લેન અને સી-૧૩૦ ટેંકર એકબીજા સાથે અથડાઈ ગયા છે જેના કારણે બંને વિમાનમાં સવાર કુલ છ નૌસૈનિકો ગાયબ થઈ ગયા છે. અમેરિકન રક્ષા મંત્રાયલના અધિકારીના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના જાપાનના તટીય વિસ્તારથી લગભગ ૩૦૦ કિલોમીટર દૂર બની છે. આ દુર્ઘટનામાં એક એરમેનને બચાવી લેવામાં આવ્યો છે. જો કે, હજી પણ બાકીના છ નૌસૈનિકો વિશે કોઈ માહિતી નથી મળી શકી.
નેવીના જવાનોને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. જવાનોને શોધવા માટે ડોક્ટર્સ પણ ક્રૂ મેમ્બર્સની મદદ કરી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, સી-૧૩૦માં પાંચ અને એપ-૧૮માં બે સર્વિસમેન સવાર હતા. જાપાને પણ નૌસૈનિકોને શોધવા માટે પોતાના ચાર એરક્રાફ્ટ અને ત્રણ જહાજ મોકલી આપ્યા છે.
જાપાન દ્વારા જહાજ મોકલવા માટે અમેરિકાએ જાપાનનો આભાર વ્યક્ત કર્યો છે. અમેરિકન નૌસેનાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું, બંને વિમાનોએ ઈવાકુની સ્થિત મરીન કૉપર્સ એર સ્ટેશનથી ઉડાન ભરી હતી. આ પ્રકારની ઉડાણ નિયમિત ટ્રેનિંગનો એક ભાગ છે પરંતુ ગુરૂવારના રોજ આ દુર્ઘટના ઘટી હતી. હાલમાં આ દુર્ઘટના કેવી રીતે ઘટી તે અંગેની તપાસ ચાલી રહી છે.
અમેરિકા તરફથી કહેવામાં આવ્યુ છે કે જાપાનમાં ૫૦૦૦૦ સૈનિક છે અને આ દુર્ઘટનાને સામાન્ય દુર્ઘટના ન કહી શકાય. નવેમ્બરમાં જ અમેરિકન નેવી ફાઈટર પ્લેન જાપાનના સમુદ્રમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ હતુ. જો કે તેમાં સવાર બે ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા હતા.
આ પહેલા પણ અમેરિકાના ઓસ્પ્રે હેલિકોપ્ટરમાં કેટલીક સમસ્યા સામે આવી હતી. હેલિકોપ્ટરને કેટલીક વાર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવા ઉપરાંત એક વખત હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયુ હતુ અને ચોપરનો એક ભાગ તૂટીને જાપાનની એક સ્કૂલમાં જઈને પડ્યો હતો. આ ઘટનાઓના કારણે અમેરિકા અને જાપાન વચ્ચેના સબંધોમાં કડવાશ આવી ગઈ હતી. જાપાનના નાગરિકોએ અમેરિકા બેઝ પર પ્રદર્શન પણ કર્યું હતું.