ત્રણ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલા ગુજરાતી ક્યુઈસ્ટ રૂપેશ શાહે દોહામાં આઇબીએસએફ ૧૫૦ અપ ફોર્મેટની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. શાનદાર દેખાવ સાથે સેમિ ફાઈનલ સુધીની સફર ખેડી હતી, જ્યાં તેનો ભારતના જ પંકજ અડવાણી સામે ૨-૫થી પરાજય થયો હતો. રૂપેશે ગયા મહિને જ ઈંગ્લેન્ડના લીડ્ઝમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપના લોંગ અને શોર્ટ, એમ બન્ને ફોર્મેટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. દોહામાં રૂપેશે મ્યાનમારના નાય થવાય ઓ સામે ૫-૧થી વિજય સાથે સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. રૂપેશે અગાઉ ઈંગ્લેન્ડના રોબર્ટ હોલને ૪-૩થી, સિરીયાના યાઝાન અહદાદને ૩-૦થી, ભારતના ધ્વજ હરિયાને ૩-૨થી અને આયરલેન્ડના એડીન મરેને ૩-૧થી હરાવ્યા હતા. તો એક મેચમાં ઈંગ્લેન્ડના માઈક રસેલ સામે ૨-૩થી હાર્યો હતો. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના આશાસ્પદ ખેલાડી ધ્વજ હરિયાએ ઈંગ્લેન્ડના લેજન્ડરી ખેલાડી માઈક રસેલ સામે અસાધારણ દેખાવ સાથે ૩-૨થી નોંધપાત્ર વિજય પણ મેળવ્યો હતો.