જમ્મુના કઠુઆ અને ગુજરાતના સુરતમાં બાળકી પર બળાત્કાર કરી હત્યાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યુ છે. દેશની જનતા એકજૂટ થઈને પીડિત પરિવારને ન્યાય મેળવવા માટે કેન્ડલ માર્ચ કાઢી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર દેશની જનતા ઈચ્છે છે કે આ કેસમાં ઝડપી કાર્યવાહી કરવામાં આવે અને પીડિત પરિવારને ન્યાય આપવામાં આવે. મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રા પણ આ ઘટનાઓથી ઘણા દુખી છે, તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા આનંદ મહિન્દ્રાએ ટ્વીટર પર લખ્યુ, જલ્લાદની નોકરી એવી નથી કે જેને દરેક કરવાની ઈચ્છા રાખે, પરંતુ જો બળાત્કાર કરનાર આરોપીઓ અને નાની માસૂમ બાળકીઓને મારનારને સજા આપવાની વાત હોય તો હું તે નોકરી ખુશી-ખુશી કરવા ચાહીશ. હું શાંત રહેવાનો ઘણો પ્રયત્ન કરુ છુ પરંતુ પોતાના દેશમાં આ પ્રકારની ઘટનાઓ જોઈને મારું લોહી ઉકળે છે. ઉલ્લેખનીય છે કે કઠુઆ અને ઉન્નાવના કેસ બાદ સમગ્ર દેશમાં આક્રોશ પેદા થઈ રહ્યો છે. ઉન્નાવમાં પણ ગેંગરેપની ઘટનાના કારણે જનતા ગુસ્સામાં છે અને સતત પ્રદર્શન કરી રહી છે. એવામાં બંને કેસમાં આરોપીઓ પર કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.