હૈદ્રાબાદમાં રવિવારે રમાયેલી આઈપીએલ સીઝન 12ની ફાઈનલનો મુકાબલો રોમાંચક બની ગયો હતો અને મેચમાં છેક સુધી લગભગ વિજય ચેન્નાઈ માટે હાથવેંતમાં દેખાતો હોવા છતાં છેલ્લા બોલે લસિથ મલિંગાએ શાર્દુલ ઠાકુરની વિકેટ ખેરવતાં મુંબઈનો ફક્ત એક રને વિજય થયો હતો. ચેન્નાઈને વિજય માટે ફક્ત બે રન કરવાના હતા, પણ બેટ્સમેન બોલ પારખવામાં થાપ ખાઈ જતાં તે એલબીડબ્લ્યુ થયો હતો અને મુંબઈની છાવણીમાં આનંદ વ્યાપી ગયો હતો. 12 વર્ષમાં ચોથી વખત ચેમ્પિયન બનીને મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આઈપીએલમાં સૌથી વધુ વિજયનો રેકોર્ડ પણ કર્યો છે. ચેન્નાઈ ત્રણ વાર ચેમ્પિયન રહ્યું છે.
મુંબઈએ ટોસ જીતી પહેલા બેટિંગ કરતાં 8 વિકેટે 149 રન કર્યા હતા. એમાં કૈરોન પોલાર્ડના 25 બોલમાં ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથેના 41 રન સૌથી મહત્ત્વના રહ્યા હતા. ફાઈનલનો આ જંગ છેલ્લી ઓવરમાં રોમાંચક બની રહ્યો હતો કારણ કે ચેન્નાઈને વિજય માટે ફક્ત 9 રન કરવાના હતા અને તેની પાંચ વિકેટ બાકી હતી. પણ છેલ્લી ઓવરમાં પહેલા શેન વોટસન રનાઉટ થયો હતો અને પછી છેલ્લા બોલે બે રન વિજય માટે કરવાના હતા ત્યારે શાર્દુલ ઠાકુર એલબીડબ્લ્યુ થતાં મુંબઈનો એક રને વિજય થયો હતો.
ચેન્નાઈની શરૂઆત સારી રહી હતી, તેની ડુ પ્લેસિસ અને વોટસનની ઓપનિંગ જોડીએ ચાર ઓવર્સમાં 33 રન કર્યા હતા. બીજી વિકેટની ભાગીદારીમાં વોટસન અને સુરેશ રૈનાએ 37 રન કર્યા હતા. એ પછી મુંબઈની ટીમે ઝડપથી ત્રણ વિકેટ ખેરવી નાખતાં ચેન્નાઈ ભીંસમાં મુકાયું હતું. 70 રને એક વિકેટના મજબૂત સ્કોરથી લથડીને ધોનીની ટીમ 12.4 ઓવર્સમાં 82 રનમાં ચારની સ્થિતિએ પહોંચી ગઈ હતી. ત્યારપછી બ્રાવો અને વોટસને બાજી સંભાળી 51 રનની ભાગીદારી કરી હતી. 133 રને બ્રાવોની પાંચમી વિકેટ ગુમાવી ત્યારે ચેન્નાઈ તેના વિજયના ટાર્ગેટથી ફક્ત 17 રન દૂર હતું અને તેની પાસે 10 બોલ હતા. પણ છેલ્લી ઓવરમાં મલિંગાએ વિજયનો કોળિયો ચેન્નાઈના મોઢામાંથી છીનવી લીધો હતો. તે પહેલા જો કે, મલિંગા સૌથી વધુ ઝુડાયો હતો અને તેણે ચાર ઓવર્સમાં 49 રન આપ્યા હતા.
મુંબઈ વતી હંમેશાની માફક જસપ્રિત બુમરાહ સૌથી વધુ ઘાતક રહ્યો હતો. તેણે તેમજ સ્પિનર રાહુલ ચાહરે પોતપોતાની ચાર ઓવર્સમાં ફક્ત 14 રન આપ્યા હતા. બુમરાહે બે તેમજ ચાહરે એક વિકેટ ઝડપી હતી. બુમરાહને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.
મુંબઈની ઈનિંગ્સમાં પોલાર્ડના 41 સિવાય ક્વિન્ટન ડીકોકે 29 અને ઈસાન કિસને 21 રનના મહત્ત્વના પ્રદાન કર્યા હતા, તો ચેન્નાઈ તરફથી દીપક ચાહરે 26 રનમાં ત્રણ તેમજ શાર્દુલ ઠાકુર અને ઈમરાન તાહિરે બે-બે વિકેટ ખેરવી હતી.
ક્વોલિફાયર 2-દિલ્હીને હરાવી ચેન્નાઈ ફાઈનલમાંઃ 10 મેના રોજ રમાયેલી ફાઈનલ પહેલાની ક્વોલિફાયર 2 મેચમાં દિલ્હીને હરાવી ચેન્નાઈ ફાઈનલમાં પહોંચ્યું હતું. વિશાખાપટ્ટનમમાં રમાયેલી આ જંગમાં દિલ્હી કેપિટલ્સને છ વિકેટે હરાવી ચેન્નાઈ ફાઈનલમાં પહોંચ્યું હતું. પહેલા બેટિંગ કરતાં દિલ્હીની ટીમે 9 વિકેટે 147 રન કર્યા હતા. ચેન્નાઈએ એક ઓવર બાકી હતી ત્યારે જ ફક્ત ચાર વિકેટે 151 રન કર્યા હતા. ચેન્નાઈએ 8મી વાર ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. તેમાંથી ત્રણવાર તો એ ચેમ્પિયન રહી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સના બંન્ને ઓપનર્સે શાનદાર શરૂઆત કરી હતી. ફાફ ડુ પ્લેસિસ અને વોટસને ઓપનિંગ ભાગીદારીમાં 81 રન કર્યા હતા, તે સાથે ચેન્નાઈએ 19મી ઓવરના અંતે જ વિજયનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. બન્ને ઓપનર્સે બરાબર 50-50 રન કર્યા હતા.
ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. રીષભ પંતના 38 રન ટીમનો શ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર હતો. ચેન્નાઈ તરફથી દીપક ચાહર, રવિન્દ્ર જાડેજા અને હરભજન સિંઘે બે-બે વિકેટ ઝડપી હતી.
એલિમિનેટરમાં હૈદ્રાબાદનો પરાજય, દિલ્હીની આગેકૂચઃ 8મી મે, બુધવારે રમાયેલી એલિમિનેટર મેચમાં હૈદ્રાબાદને બે વિકેટે હરાવી દિલ્હી ફાઈનલમાં પ્રવેશ માટે એક કદમ વધુ નજીક ગયું હતું, તો હૈદ્રાબાદ સ્પર્ધામાંથી આઉટ થયું હતું. પહેલા બેટિંગ કરતાં સનરાઈઝર્સ હૈદ્રાબાદે 8 વિકેટે 162 રન કર્યા હતા. તેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે એક બોલ બાકી હતાે ત્યારે 8 વિકેટે 165 કરી નોકાઉટ રાઉન્ડમાં પહેલીવાર પ્રવેશ પછી પહેલો વિજય હાંસલ કર્યો હતો.
દિલ્હી કેપિટલ્સ વતી ઓપનર શિખર ધવન અને પૃથ્વી શોએ શાનદાર શરૂઆત કરી હતી. 7.3 ઓવર્સમાં તેઓએ 66 રન કર્યા પછી શિખર ધવનની વિકેટરૂપે હૈદ્રાબાદને પહેલી સફળતા મળી હતી. જો કે, પૃથ્વી શોએ 38 બોલમાં 56 રનનો ધમાકેદાર ફાળો આપ્યો હતો. રીષભ પંતના 49 પણ ખૂબજ મહત્ત્વના રહ્યા હતા. હૈદ્રાબાદ વતી ભૂવનેશ્વર કુમારે ચાર ઓવર્સમાં 42 રન આપી બે વિકેટ લીધી હતી, તો રાશિદ ખાને ચાર ઓવર્સમાં ફક્ત 15 રન આપી બે વિકેટ લીધી હતી. તેની એક ઓવર મેઈડન પણ રહી હતી.
હૈદ્રાબાદની ઈનિંગમાં માર્ટિન ગપ્ટીલના 36 અને મનિષ પાંડેના 30 રન મુખ્ય હતા. દિલ્હી વતી પોલની ત્રણ વિકેટ મુખ્ય હતી.
ચેન્નાઈને હરાવી મુંબઈ ફાઈનલમાંઃ ચેન્નાઈમાં 7 મે, મંગળવારે રમાયેલા પહેલા ક્વોલિફાયર મુકાબલામાં મુંબઈએ છ વિકેટે વિજય સાથે સીધું ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. ચેન્નાઈની ટીમે પહેલા બેટિંગ કરતાં મુશ્કેલ વિકેટ ઉપર ફક્ત 131 રન કરી શકી હતી.
ધોનીની ટીમે જો કે, ફક્ત ચાર વિકેટ ગુમાવી હતી, પણ તેની શ્રેષ્ઠ બેટિંગ અને શ્રેષ્ઠ ભાગીદારી છેલ્લી જોડીએ – ધોની અને રાયડુએ 66 રનની કરી હતી. રાયડુએ 42 અને ધોનીએ 37 રન કર્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે સૂર્યકુમાર યાદવની અણનમ 71 રનની ઈનિંગ્સ સાથે 18.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
મુંબઈની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી. બીજા જ બોલે સુકાની રોહિત શર્મા ચાર રન કરી પેવેલિયન ભેગો થયો હતો. ક્વિન્ટન ડીકોક પણ આઠ રન કરી આઉટ થયો હતો અને મુંબઈએ 21 રનમાં બંને ઓપનર ગુમાવી દીધા હતા. એ પછી સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશને 80 રનની ભાગીદારી સાથે ટીમને વિજયની ખાતરી આપી હતી.