કલાકાર અને ફિલ્મકારના રૂપમાં જ્હોન અબ્રાહમનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન થયું છે. તેની ફિલ્મ વિક્કી ડોનર, મદ્રાસ કેફે અને પરમાણુ આ વાતનો પુરાવો છે. આ વખતે તે RAW એટલે કે રોમિયો, અકબર, વોલ્ટરના માધ્યમથી ફરી એકવાર દેશભક્તિની વાત કરી રહ્યો છે. તે આપણને 1971ના દાયકામાં લઈ જાય છે જેમાં તે રોમિયો, અકબર અને વોલ્ટર જેવા ત્રણ બહુરુપના પાત્ર ભજવી રહ્યો છે. તે દુશ્મન દેશમાં જઈ પોતાના વતનની રક્ષા માટે જાનની બાજી લગાવી જાસૂસી કરે છે. પરંતુ જ્યારે એક જાસૂસનો ભેદ ખૂલી જાય, તો શું થાય? શું દેશ તેના પર ગર્વ કરે કે પછી સોશિયલ સિક્યોરિટીના રસ્તામાં કાંટો સમજીને તેને ફેંકી દેવાય? RAW પણ આ જ મુદ્દાઓની આસપાસ બનેલી ફિલ્મ છે.આ ફિલ્મની સ્ટોરી અકબર (જ્હોન)થી શરૂ થાય છે. તેને પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઑફિસર ખુદાબખ્શના હાથે ખાસ્સો ટોર્ચર કરવામાં આવી ચૂક્યો છે. થર્ડ ડીગ્રીનો ઉપયોગ કરીને તેના નખ સુદ્ધાં ઊખાડી નાંખવામાં આવ્યા છે. પાકિસ્તાનની ઈન્ટેલિજન્સને શક છે કે અકબર ભારતના RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)નો જાસૂસ છે. ત્યાંથી સ્ટોરી ફ્લેશબેકમાં આવે છે.બેન્કમાં કામ કરારો રોમિયો ઈમાનદાર અને બહાદુર છે. તે બેન્કમાં કામ કરનારી શ્રદ્ધા (મૌની રૉય)ને પ્રેમ કરે છે અને પોતાની માતા સાથે રહે છે. એક સમયે તેના પિતાએ દેશ માટે પોતાનો જીવ ગુમાવી દીધો હતો અને પછી તેની માતાએ દેશ ભક્તિના જનૂનથી દૂર સામાન્ય બાળકની જેમ તેનો ઉથેર કર્યો હતો. પરંતુ બેન્કમાં થતી ચોરી તેનું જીવન બદલી નાંખે છે. બેન્કમાં થયેલી લૂંટનો તે જીવના જોખમે મુકાબલો કરે છે. ત્યાર પછી તેને જણાવાય છે કે તેને રૉના ચીફ શ્રીકાંત રાય (જેકી શ્રોફ)એ એક જાસૂસના રૂપમાં પસંદ કર્યો છે અને તેણે અકબર મલિક બનીને પાકિસ્તાનની સિક્રેટ માહિતી એકઠી કરવાની છે.જાસૂસના રુપમાં તેને કડક ટ્રેનિંગ આપવામાં આવે છે. પાકિસ્તાન જઈને તે ઈજહાક અફરીદી (અનિલ જ્યોર્જ)નું દિલ જીતી લે છે અને થોડા જ સમયમાં વિશ્વાસપાત્ર બની જાય છે. ક્લાઈમેક્સ આવતા સુધીમાં તે કેવી રીતે વોલ્ટર બને છે? એ જાણવા માટે ફિલ્મ જોવી પડશે.