વિરાટ કોહલીની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ આ વર્ષે આઈપીએલમાં સાવ કંગાળ દેખાવ સાથે છ મેચ પછી પણ હજી સુધી એકેય વિજય હાંસલ કરી શકી નથી અને પોઈન્ટ્સ ટેબલમાં તળિયે ઉતરી ગઈ છે. રવિવારે ઘરઆંગણે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં પણ તે 150નો આંકડો વટાવી શકી નહોતી અને દિલ્હી કેપિટલ્સે 19મી ઓવરમાં જ છ વિકેટે વિજય માટેનો ટાર્ગેટ હાંસલ કરી લેતા કોહલીની ટીમનો ચાર વિકેટે પરાજય થયો હતો. બાકીની તમામ ટીમ્સ કમ-સે-કમ એક મેચ તો જીતી ચૂકી છે. પહેલા બેટીંગ કરી રહેલી બેંગલોર સામે રબાડાએ ૨૧ રનમાં ચાર વિકેટ ઝડપી લેતા બેંગલોરની ટીમ આઠ વિકેટે ૧૪૯ રન જ કરી શકી હતી. કેપ્ટન કોહલીએ ૪૪ અને મોઈન અલીએ ૩૨ રન કર્યા હતા, પણ બેંગ્લોરના અન્ય બેટ્સમેન ફ્લોપ રહ્યા હતા, કોઈ મોટી ઈનિંગ રમી શક્યું નહોતુ.
રબાડાએ ચાર અને ક્રિસ મોરીસે બે વિકેટ ઝડપી હતી. બેંગલોરના બોલરોએ શરૂઆત તો સારી કરી હતી, પણ લો ટાર્ગેટ તેમજ પૃથ્વી શૉ અને કોલીન ઈન્ગ્રામના સપોર્ટ સાથે ઐયરની અડધી સદી પછી દિલ્હીનો વિજય ખાસ સંઘર્ષ વિનાનો રહ્યો હતો. ઘરઆંગણે રમી રહેલા બેંગલોરના બેટ્સમેન લાંબી ઈનિંગ રમી શક્યા નહોતા. પાર્થિવ પટેલ, ડી વિલિયર્સ અને સ્ટોઈનીસની મહત્ત્વની વિકેટો તો ટીમે ૬૬ના સ્કોર સુધીમાં ગુમાવી દીધી હતી. કોહલીએ ૩૩ બોલમાં બે ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૪૧ રન તેમજ મોઈન અલીએ ૧૮ બોલમાં ૧ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૩૨ રન કર્યા હતા.
વિજય માટે ૧૫૦નાે ખાસ મુશ્કેલ નહીં એવો ટાર્ગેટ હાંસલ કરવા ઉતરેલી દિલ્હીની ટીમે પણ ધવનની વિકેટ સસ્તામાં ગુમાવી હતી. પૃથ્વી શૉ (૨૮) અને કેપ્ટન શ્રેયસ ઐયરે ૬૮ રનની ભાગીદારી સાથે વિજયની આશા જીવંત રાખી હતી. ઐયરે ૫૦ બોલમાં ૮ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૬૭ રન કૉર્યા હતા. ઐયર અને પંતે ૨૬ બોલમાં ૩૭ રન જોડતાં વિજય નિશ્ચિત જણાતો હતો.
એ તબક્કે, દિલ્હી વિજયથી પાંચ રન દૂર હતું ત્યારે સૈનીએ એક જ ઓવરમાં ઐયર અને મોરીસને આઉટ કર્યા હતા, જે પછી સિરાજે પંતને આઉટ કર્યા હતા. આખરે અક્ષર પટેલ અને તેવટિયા વિજય સુધી મેદાન ઉપર રહ્યા હતા.