કોમેડી વીથ કપિલ શર્મા ટીવી શો દ્વારા રાતોરાત સ્ટાર ગણાતા થઇ ગયેલા સ્ટેન્ડ અપ કોમેડિયન કપિલ શર્માને વર્લ્ડ રેકોર્ડ બુક ઑફ લંડનમાં સ્થાન મળ્યું હતું. આ રેકોર્ડ બુકમાં કપિલને ભારતનો સૌથી વધુ જોવાયેલો સ્ટેન્ડ અપ કોમેડિયન ગણાવવામાં આવ્યો હતો. લંડનની આ રેકોર્ડ બુકમાં કપિલ શર્માનું નામ નાંેધીને એને એ રેકોર્ડનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું. અન્ય કોમેડી શોની તુલનાએ કપિલ શર્માએ પોતાના ટીવી શોની પહેલી સીઝનમાં સ્વર કિન્નરી લતા મંગેશકર અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન જેવાની શાબાશી મેળવી હતી. અગાઉ છ વખત એણે ફોર્બ્સની ભારતની ૧૦૦ સેલેબ્રિટીઝની યાદીમાં સ્થાન મેળવ્યું હતું. હવે એની બીજી સીઝન શરૃ થઇ છે જેમાં જૂના સાથીઓનું સ્થાન ભારતી સિંઘ જેવા નવા સાથીઓએ લીધું છે. વચ્ચે થોડો સમય એવી વાતો વહેતી થઇ હતી કે બીજી સીઝનમાં કપિલને પહેલી સીઝન જેવી ટીઆરપી મળી નથી એટલે કદાચ એને વધુ એપિસોડ્સ નહીં મળે.