લોકસભાની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ માટે માઠા દિવસો ચાલી રહ્યા છે. રાહુલ ગાંધી અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી ચુક્યા છે. કર્ણાટકમાં સરકાર પર ખતરો છે , ગોવામાં ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ચુક્યા છે અને હવે નાણાકીય મોરચે પણ કોંગ્રેસ માટે કપરી સ્થિતિ છે. એટલે સુધી કે દેશની સૌથી જુની પાર્ટી નાણાકીય ભીડ પણ અનુભવી રહી છે.

કોંગ્રેસને ખર્ચા પર કાપ મુકવાનો વારો આવ્યો છે. કોંગ્રેસ સેવાદળના માસિક ખર્ચમાં કાપ મુકાઈ ગયો છે. હવે કોંગ્રેસ સેવા દળને દર મહિને અઢી લાખની જગ્યાએ બે લાખ રુપિયા આપવામાં આવી રહ્યા છે.

સાથે સાથે મહિલા કોંગ્રેસ, વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ અને યૂથ કોંગ્રેસને પણ ખર્ચા ઘટાડવા માટે આદેશ અપાયો છે. કોંગ્રેસના હેડકવાર્ટરમાં કામ કરતા કર્મચારીઓે લોકસભાની હાર બાદ હજી સુધી પગાર મળ્યો નથી. માત્ર કોંગ્રેસ સંગઠન સાથે જોડાયેલા કર્મચારીઓને સમય પર પગાર મળ્યો છે.

પાર્ટીના સોશ્યલ મીડિયા વિભાગ સંભાળતા 55 કર્મચારીઓની જગ્યાએ હવે 35 જ કર્મચારીઓ રહ્યા છે. કેટલાક કર્મચારીઓ પહેલા જ કામ છોડી ચુક્યા છે. રહેલા કર્મચારીઓને પણ પગાર ચુકવવામાં મોડુ થયુ છે.