લોકસભા ચૂંટણીના છેલ્લા બે તબક્કાથી પહેલા કોંગ્રેસના સિનિયર નેતા મણિશંકર અય્યર ફરી એક વાર ચર્ચામાં આવ્યાં છે. 2017માં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરેલા વિવાદિત નિવેદન ‘નીચ પ્રકારના વ્યક્તી’ને યોગ્ય ઠેરાવી તેના પર લેખ લખ્યો છે.2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇને આ વિવાદિત નિવેદન આપ્યું હતું. જોકે, તે સમયે બીજેપી આ નિવેદનને મુદ્દો બનાવી કોંગ્રેસને આડે હાથ લીધી હતી. કોંગ્રેસે પણ તે સમયે અય્યરની જાટકણી કાઢી હતી અને પક્ષને આ નિવેદન સાથે કોઇ લેવા દેવા નથી એમ કહ્યું હતું.
ચારેય તરફથી ઘેરાયેલા અય્યરે પાછળથી માફી માંગવી પડી હતી અને મણિશંકરે તેમના શબ્દનું ખોટું અર્થઘટન થયું હોવાનું કહ્યું તથા કહ્યું કે આ મારું વ્યક્તિગત નિવેદન છે. તાજેતરમાં છપાયેલા તેમના લેખમાં વડાપ્રધાન મોદીની અત્યારની રેલીઓના નિવેદનોને ટાંકીને કહ્યું છે, “યાદ છે 2017માં મે મોદીને શું કહ્યું હતું? શું મે બરાબર ભવિષ્યવાણી નહોતી કરી?”
7 ડિસેમ્બર 2017ના રોડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટી અને વાઇસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી પર ઇશારમાં કટાક્ષ કરતા કહ્યું હતું કે કોંગ્રેસે એક પરિવારને પ્રોત્સાહન આપવા માટે બાબા સાહેબના યોગદાનને દબાવ્યું. વડાપ્રધાનના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા અય્યરે મોદીને નીચ અને અસભ્ય કહ્યાં હતા. અય્યરે કહ્યું હતું કે મને લાગે છે આ ખુબ જ નીચ પ્રકારના વ્યક્તિ છે. તેમનામાં કોઇ સભ્યતા નથી અને આવા પ્રસંગે આ પ્રકારની ગંદી રાજનીતિ રમવાની શું જરૂર છે?