સેન્ટ્રલ લંડનની વેસ્ટમિન્સ્ટર પાર્ક પ્લાઝા હોટેલમાં ગત સપ્તાહે યોજાયેલા 30મા એશિયન ટ્રેડર એવોર્ડ સમારંભમાં ગ્રોસરી ઇન્ડસ્ટ્રીએ યુકેના ઇન્ડિપેન્ડેન્ટ રીટેલર્સની ઉદ્યોગસાહસિકતા અને અથાગ પરિશ્રમને બિરદાવ્યો હતો. 700થી વધુ આમંત્રિતોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારંભમાં બ્રિટનના સૌથી શ્રેષ્ઠ શોપકીપર્સે મેળવેલી સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જીત સિંઘ બંસી, મીઓન વેલ લોન્ડિસને એશિયન ટ્રેડર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડ સ્વીકાર્યા બાદ જીત સિંઘે જણાવ્યું હતું કે, ‘મને આ એવોર્ડ મળ્યો છે તે હું માની નથી શકતો, ખુશી વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી. લોન્ડિસ બ્રાંડની સફળતા બદલ હું મારી પત્ની અને દીકરીનો આભારી છું.
આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર હાઉસિંગ, કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટ અને એમપી જેમ્સ બ્રોકનશાયરે યુકેના બિઝનેસ ક્ષેત્રના ઇતિહાસમાં બ્રિટિશ એશિયન્સની અમૂલ્ય ભૂમિકાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, એશિયન મીડિયા ગ્રૂપની 50 વર્ષની સફળતા વિષે જાણીને મને ખૂબ આનંદ થયો છે. રાજકારણ, બિઝનેસ, વ્યવસાય, જાહેર સેવાઓ, કળા, રમતગમત જેવા ક્ષેત્રોમાં આપણું જીવન પથરાયેલું છે. આ સફળતા દર્શાવે છે કે આપણો દેશ મજબૂત વૈવિધ્ય ધરાવે છે.
આ એશિયન ટ્રેડર એવોર્ડ સમારંભમાં ગ્રુપના મેનેજિંગ એડિટર કલ્પેશ સોલંકીએ એડિટર ઇન ચીફ રમણિકલાલ સોલંકી સીબીઇ વતી એશિયન ટ્રેડર એનિવર્સરી ગાલા ડિનરમાં સહુ આમંત્રિતોને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું કે, એશિયન ટ્રેડર એવોર્ડ 1989માં શરૂ કરાયા હતા. આટલા લાંબા સમયથી ઇન્ડિપેન્ડન્ટ રીટેઇલર્સ અમારા દિલમાં વસે છે. આજે ગ્રોસરી સેક્ટરનો જે કંઇ વિકાસ થઇ રહ્યો છે તેના કેન્દ્રમાં તેઓ છે. ગ્રાહકો પણ વધી રહ્યા છે. ગ્રાહકો ઓનલાઇન શોપિંગ તરફ વળ્યા છે, શોપનું ભાડું વધ્યું છે, વેતન વધારો અને બિઝનેસ દરોમાં મોટા વધારાથી રીટેઇલર્સ દબાણ અનુભવી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં ટોય્ઝ આર અસ, પાઉન્ડવર્લ્ડ એન્ડ મેપલિન તથા હાઉસ ઓફ ફ્રેસરની હાલત શું થઇ તે આપણે જાણીએ છીએ. માર્ક્સ એન્ડ સ્પેન્સર અને ડેબેનહામ્સ પણ તેમના મોટા સ્ટોર બંધ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે.
અમારા ગ્રુપ માટે આ વર્ષ ખૂબ જ મહત્ત્વનું છે. આ વર્ષે અમારા એક મહત્ત્વના કદમની એનિવર્સરી પણ છે. એપ્રિલ-1968માં એક યુવાન અને આશાસ્પદ પત્રકારે તેમનું પ્રથમ મેગેઝિન ‘ગરવી ગુજરાત’ પ્રકાશિત કર્યું હતું. મારા પિતા રમણિકલાલ સોલંકી 1964માં આ દેશમાં આવ્યા હતા અને તેઓ ત્યારે બે નોકરી કરતા, એક કલાર્કની અને બીજી ભારતમાં એક અખબાર જૂથમાં આર્ટિકલ લેખનની. તત્કાલિન ભારતીય હાઇકમિશનર ડો. જીવરાજ મહેતાએ મારા પિતાને મેગેઝિન શરુ કરવા કહ્યું અને 1968માં એપ્રિલફુલના દિવસે મારા માતાના પ્રયાસો થકી ‘ગરવી ગુજરાત’ મેગેઝિનનો જન્મ થયો. ગુણવત્તાયુક્ત પત્રકારત્વના પરિણામે ‘ગરવી ગુજરાત’ આ દેશમાં ઘરે-ઘરે લોકપ્રિય બન્યું છે. આ ઉપરાંત અમેરિકામાં પણ ‘ગરવી ગુજરાત’ની અલગ આવૃત્તિ પ્રકાશિત થાય છે. આજે હું, મારા ભાઇ શૈલેષ અને અમારી નવી પેઢી અમારા પિતાના સિદ્ધાંતો અને નીતિમત્તાને અનુસરી રહ્યા છીએ. મારા પિતાએ ઇન્ડિપેન્ડન્ટ રીટેઇલર્સનો અવાજ રજૂ કરવા નવેમ્બર-1985માં એશિયન ટ્રેડર શરૂ કર્યું અને બધા સાથે એકતા સાધી. એશિયન ટ્રેડરે પણ ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે. 1989માં એશિયન ટ્રેડર એવોર્ડ શરૂ કરવામાં આવ્યા. ઘણા લોકો મારા પિતાને રામ સોલંકીના નામથી ઓળખે છે. તેમણે આપણા સમાજના ઉત્કર્ષ અને સુરક્ષા માટે શરુઆત કરી હતી.
આ નિમિત્તે સફળતાની ઉજવણી માટે સ્ટેજ પર રમણિકલાલ સોલંકી, પાર્વતીબેન સોલંકી, શૈલેષ સોલંકી, સાધનાબેન, જયંતીલાલ સોલંકી, લોર્ડ ધોળકિયા, લાયોનેલ કેશિન, બેરી ગાર્ડિનર સહિતના મહાનુભાવો, મિત્રો અને પરિવારજનો જોડાયા હતા.
એશિયન ટ્રેડરના બ્રાંડ મેનેજર શેફાલી સોલંકીએ એશિયન ટ્રેડર એવોર્ડઝ ચેરિટી સ્પીચ આપતા જણાવ્યું હતું કે, દર વર્ષે એશિયન ટ્રેડર એવોર્ડ સમારંભમાં કેટલાક સેવા કાર્યો માટે ભંડોળ એકત્ર કરવામાં આવે છે. આજે આપણે IHRF માટે ભંડોળ એકત્ર કરીશું. IHRF ઇન્ટરનેશનલ, નફો નહીં કરવાના ઉદ્દેશ્ય સાથેનું ફાઉન્ડેશન છે. તેના અધ્યક્ષ ભારતના જાણીતા સંત પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજી છે. આ ફાઉન્ડેશને પર્યાવરણની જાળવણી માટે અનેક કાર્યક્રમો કર્યા છે અને હિન્દુત્વ પરના પ્રથમ એનસાયક્લોપીડિયાની પણ રચના કરી છે. આજે અમે ભારતમાં બાળકોના શિક્ષણ માટે ભંડોળ એકત્ર કરીશું. ભારતમાં દર ચારમાંથી એક વ્યક્તિ લખી કે વાંચી શકતી નથી. આ ઉપરાંત 350 મિલિયન લોકો પાસે અક્ષરજ્ઞાન નથી અને તેથી જ તેઓ ગરીબીમાં જીવન જીવે છે. વૈશ્વિક માનવાધિકારમાં શિક્ષણના અધિકારને મહત્ત્વ આપવામાં આવ્યું છે.

એશિયન ટ્રેડર કોન્ફરન્સ
સેન્ટ્રલ લંડનની વેસ્ટમિનસ્ટર પાર્ક પ્લાઝા હોટેલમાં દ્વિતીય વાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કોન્ફરન્સની થીમ હતી ‘લિવિંગ લોકલી’. બીબીસીના ન્યૂઝ પ્રેઝન્ટર ક્લાઇવ માયરીની અધ્યક્ષતામાં યોજાયેલી આ કોન્ફરન્સમાં ઝડપથી બદલાતા ગ્રોસરી માર્કેટપ્લેસની જરૂરીયાતો પૂર્ણ કરવા ઇન્ડિપેન્ડેન્ટ રીટેલર્સને સાધનો પૂરા પાડવાનો હેતુ છે.
લિબરલ ડેમોક્રેટ્સના નેતા અને એમપી સર વિન્સ કેબલે નવા જમીન ટેક્સ સાથે બિઝનેસના દર બદલવા માટેના પોતાના આયોજનની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘ઉદ્યોગસાહસિકતા માટે બિઝનેસના દર વ્યાપકપણે નિરુત્સાહ કરનારા છે. બિઝનેસ ટેક્સના બદલે આપણે મિલકતની કિંમતના આધારે ટેક્સને ધ્યાનમાં લઇએ તો 80 ટકા ટ્રેડર્સ માટે અનુકુળ રહેશે. બિઝનેસ દરમાં સુધારાથી ફક્ત આર્થિક જ નહીં પરંતુ સમુદાય નિર્માણને પણ વેગ મળશે.’
મેટ્રોપોલિટન પોલીસના આસિસ્ટંટ કમિશનર માર્ટિન હેવિટ અને રીટેઇલર જોનાથન જેમ્સે બિઝનેસ વિરુધ્ધની ગુનાખોરીનો સામનો કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા કરી હતી.
બજેન્સના બ્રાંડ ડાયરેક્ટર માઇક બેકર, જય’સ બગેન્સ ક્રોફટનના રીટેઇલર પ્રતીક પટેલ અને લોન્ડિસ કેટરવેઝના ટ્રેડર અમિશ શિંગાડિયાએ બ્રાંડ્સ અંગે ચર્ચા કરી હતી.
આ ઉપરાંત આસ્ડાના ભૂતપૂર્વ સીઇઓ અને સ્પૂન ગુરુના વર્તમાન ચેરમેન એન્ડી ક્લાર્ક, રીજેન્ટ ગ્રૂપના સીઇઓ સેલ્વા પંકજ અને એશિયન ટ્રેડરના આસિસ્ટન્ટ એડિટર એન્ડી મેરિનોએ કન્વિનિયન્સ ક્ષેત્રના ભવિષ્ય અંગે ચર્ચા કરી હતી.

એવોર્ડ વિજેતાઓ
એશિયન ટ્રેડર ઓફ ધ યર: જીત સિંઘ બંસી, મીઓન વેલ લોન્ડિસ, વોરવિકશાયર
સ્પીરીટ ઓફ ધ કોમ્યુનિટી એવોર્ડઃ ઇમરાન અલી, ડેટુડે ઇલાઇટ, ઇરવિન
ઇન્ડિપેન્ડેન્ટ હોલસેલર ઓફ ધ યર: થેમ્સ કેશ એન્ડ કેરી, રીડિંગ
ઇમ્પલ્સ રીટેઇલર ઓફ ધ યર: રીના રેન્જર, લોન્ડિસ સનિંગહિલ, એસ્કોટ
ફૂડ ટુ ગો રીટેઇલર ઓફ ધ યર: ગારેથ અને નટાલી હૂટન, હૂટન્સ ન્યૂઝ એજન્ટ્સ, બેસ્ટ વન, ગોલબોર્ન
ઇન્ડિપેન્ડેન્ટ રીટેઇલર ઓફ ધ યર: પીટર, જીતા અને રાજ ભાડલ, લોન્ડિસ વૂડહાઉસ સ્ટ્રીટ, લીડ્ઝ
બેકરી રીટેઇલર ઓફ ધ યર: માઇક હોવ, લોન્ડિસ ક્લિસ્ટ સેન્ટ મેરી, એક્ઝિટર
નેક્સ્ટ જેન એવોર્ડઃ અમિશ શિંગાડિયા, લોન્ડિસ કેટરવેઝ, હોર્શમ
હોલસેલ ડેપો ઓફ ધ યર: એલબ્રૂક કેશ એન્ડ કેરી
એડિટર્સ એવોર્ડઃ દાઉદ પરવેઝ, મેનેજિંગ ડાયરેક્ટર, બેસ્ટવે
માર્કેટિંગ એન્ડ કોમ્યુનિકેશન એવોર્ડઃ હેનોવર
મેન્યુફેક્ચરર ઓફ ધ યર: સીરીલ પાર્ટનર્સ
કન્વિનિયન્સ સ્પિરિટ્સ સપ્લાયર ઓફ ધ યર: એડરિંગ્ટન-બીમ સનટોરી
કન્વિનિયન્સ વાઇન્સ સપ્લાયર ઓફ ધ યર: એકોલેડ વાઇન્સ
કન્ફેક્શનરી બ્રાન્ડ ઓફ ધ યર: સ્મિન્ટ સુગર ફ્રી
સોફ્ટ ડ્રિંક્સ બ્રાન્ડ ઓફ ધ યર: ડાયેટ કોક ફિસ્ટી ચેરી
ઇ-સિગ એન્ડ ટોબેકો બ્રાન્ડ ઓફ ધ યર: બ્લુ ઇ-લિક્વિડ ફ્લેવર્સ
આલ્કોહોલ બ્રાન્ડ ઓફ ધ યર: ડબ્લ્યુકેડી મેંગો ક્રશ
ક્રિસ્પ એન્ડ સ્નેક્સ બ્રાન્ડ ઓફ ધ યર: મેકોય્ઝ ફ્લેવર્સ
ગ્રોસરી બ્રાન્ડ ઓફ ધ યર: યોર્કશાયર ટી ડીકેફ