સંસદમાં શુક્રવારે વગગાળાનું બજેટ રજૂ થયું તેના કેટલાક કલાકો બાદ જ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં વચગાળાનું બજેટને રદ કરવા અંગે વિનંતી કરવામાં આવી છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, વચગાળાના બજેટ અંગે બંધારણમાં કોઇ જોગવાઇ નથી. વકીલ મનોહર લાલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલ આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, બંધારણમાં માત્ર પૂર્ણ બજેટ અને વોટ ઓન એકાઉન્ટ રજૂ કરવાની જ જોગવાઇ છે.
અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, વોટ ઓન એકાઉન્ટ ચૂંટણીના વર્ષમાં નિર્ધારિત સમય માટે સરકારી ખર્ચને મંજૂરી આપે છે. ત્યારબાદ નવી સરકાર પૂર્ણ બજેટ રજૂ કરે છે. શુક્રવારે લોકસભામાં નાણાં મંત્રી પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં મધ્યમ વર્ગ અને ખેડૂતો માટે લોભામણી જાહેરાતો કરવામાં આવી હતી.
ગત વર્ષે ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટે આરબીઆઇના અનામત ભંડોળ મુદ્દે તત્કાલીન નાણાં મંત્રી અરુણ જેટલી વિરુદ્ધ પીઆઇએલ દાખલ કરવા અંગે શર્માને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. નોંધનીય છે કે, વચગાળાના બજેટમાં પાંચ લાખ સુધી ટેક્સને પાત્ર આવકને જ વેરામાંથી માફી અપાઇ છે. ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર કરાયો નથી.