પશ્ચિમ બંગાળમાં અમિત શાહના રોડ-શો દરમિયાન બંગાળના પ્રસિદ્ધ સાહિત્યકાર ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિની તોડફોડના માલે છેલ્લા કેટલાક દિવસથી રાજકીય ગરમાગરમી ચાલી રહી છે. ભાજપ અને ટીએમસી એકબીજા પર મૂર્તિ ખંડિત કરવાના મામલે આક્ષેપ પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે. મમતા બેનરજીએ પણ વિદ્યાસાગરની મૂર્તિ ભાજપના ખર્ચે તૈયાર કરાવવાના મામલે પ્રહાર કરતા જણાવ્યું કે મૂર્તિ માટે ભાજપના પૈસા ના ખપે. બંગાળ પાસે પુરતા પ્રમાણમાં ભંડોળ છે માટે ભાજપના પૈસાની જરૂર નથી.

ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિવાદને ટાંકીને જણાવ્યું કે ટીએમસીના ગુંડાઓએ વિદ્યાસાગરની મૂર્તિ તોડી છે તે જ સ્થળે અમે પંચધાતુની નવી મૂર્તિ બનાવી સ્થાપિત કરીશું. આજરોજ વડાપ્રધાન કોલકાતાના ડમ ડમમાં રેલીને સંબોધવાના છે ત્યારે મમતાને આડેહાથ લેતા તેમણે ઉત્તરપ્રદેશની જાહેરસભામાં જણાવ્યું કે, ‘હું કોલકાતા રેલીમાં જઈ રહ્યો છું. જોઉં છું મુખ્યમંત્રી મારું હેલિકોપ્ટર ઉતરવા દે છે કે નહીં.’ મોદીએ વિદ્યાસાગરની મૂર્તિ તોડનારા તત્વો સામે કડક પગલાં લેવાની પણ માંગ કરી હતી.

મમતાએ પશ્ચિમ બંગાળના મંદિરબજાર ખાતે રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીના નિવેદનનો વળતો જવાબ આપ્યો હતો. મમતાએ સ્પષ્ટ જણાવ્યું કે, ‘મૂર્તિઓ તોડવી એ ભાજપી જૂની ટેવ છે અને ત્રિપુરામાં પણ તેમણે આવું કર્યું હતું. ભાજપે બંગાળમાં 200 વરસ જૂના વારસાને નષ્ટ કર્યો છે અને આવી પાર્ટીને જે ટેકો આપશે તેને સમાજ ક્યારેય નહીં સ્વીકારે.’ મમતાએ સોશિયલ મીડિયામાં કરાતી ટીકા મુદ્દે પણ ભાજપની ઝાટકણી કાઢી હતી. ‘ભાજપ ફેસબુક અને ટ્વિટર પર અફવાઓનો પ્રચાર કરી રહી છે. ભાજપ સોશિયલ મીડિયામાં ખોટા પ્રચાર થકી લોકોને ઉશ્કેરીને રમખાણો કરાવવા પ્રયાસ કરી રહી છે,’ તેવો આક્ષેપ મમતા બેનરજીએ કર્યો હતો.