વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માલદિવ બાદ વધુ એક પાડોશી દેશ શ્રીલંકાની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેમણે શ્રીલંકાના વડા પ્રધાન સહીતના નેતાઓની સાથે બેઠક યોજી હતી અને ઇસ્ટર સન્ડેમાં જે લોકો માર્યા ગયા હતા તેમના પરિવારને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
ઇસ્ટર સન્ડે હુમલા બાદ શ્રીલંકાની મુલાકાત લેનારા મોદી પહેલા વિદેશી નેતા છે. દરમિયાન મોદીએ શ્રીલંકાના પ્રમુખ સીરીસેનાની સાથે મુલાકાત કરી હતી જે બાદ કરેલા ટ્વીટમાં મોદીએ જણાવ્યું હતું કે શ્રીલંકાના પ્રમુખ સિરિસેના અને અમે બન્ને સહમત થયા હતા કે આતંકવાદ કોઇ એક નહીં પણ દરેક માટે ખતરા સમાન છે.
મોદીને આ મુલાકાત દરમિયાન શ્રીલંકાના પ્રમુખે એક સમાધી બુદ્ધા સ્ટેચ્યૂ ભેટ તરીકે આપ્યું હતું. પીએમઓ દ્વારા ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જે સ્ટેચ્યૂ આપવામાં આવ્યું તેને તૈયાર કરવામાં બે વર્ષ જેટલો સમય લાગ્યો હતો,
આ અતી દુર્ભલ ગણાતા સ્ટેચ્યૂ પૈકીનું એક છે. દરમિયાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આતંકીઓના કાયર હુમલાને ક્યારેય પણ સહન ન કરી શકાય, આ પ્રકારના હુમલા શ્રીલંકાની જે સ્પિરિટ છે તેને કોઇ જ અસર નહીં કરી શકે, ભારત શ્રીલંકાના દરેક નાગરીકની સાથે છે અને હંમેશા રહેશે.
દરમિયાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના પ્રેસિડેન્ટ હાઉસના મેદાનમાં એક અશોકા વૃક્ષના છોડને રોપ્યો હતો. મોદીએ શ્રીલંકાના વડા પ્રધાન વિક્રમેશિંઘેની સાથે પણ બેઠક યોજી હતી. જે બાદ તેમણે જણાવ્યું હતું કે શ્રીલંકાના પ્રમુખ ઉપરાંત વડા પ્રધાન સાથે પણ બહુ જ સુખદ બેઠક રહી અને બન્નેએ દેશના વિકાસ માટે એકબીજાને કેવી રીતે સહિયોગ કરી શકાય તે અંગે ચર્ચા કરી હતી. મોદીએ વિપક્ષના નેતા મહિંદા રાજપાક્ષાની સાથે પણ બેઠક યોજી હતી. જે દરમિયાન બન્ને દેશોના સંબંધોને કેવી રીતે મજબુત કરી શકાય તે અંગે ચર્ચા કરી હતી.