વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડતા શનિવારે ઉત્તરાખંડના પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ કેદારનાથ પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ અહીં શિવપૂજા અને આરાધના કરી હતી. વડાપ્રધાન કાર્યાલયે આ અંગેની માહિતી ચૂંટણી પંચને પણ આપી હતી. આયોગે જણાવ્યું હતું કે મોદીની આ યાત્રાથી કોઈ વાંધો નથી. રવિવારે મોદી બદ્રીનાથના દર્શન કરશે. આ વર્ષે કેદારનાથ ધામના કપાટ 9મી મેના રોજ ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ યાત્રાના રસ્તામાં 300થી વધુ ટેન્ટ લગાવવામાં આવ્યા છે.
બદ્રીનાથના કપાસ 10મેના ખોલવામાં આવ્યા હતા. ચૂંટણી પંચના અધિકારીના જણાવ્યા મુજબ, ‘વડાપ્રધાનની આ સત્તાવાર મુલાકાત છે, જો કે હજુ આચારસંહિતા લાગુ હોવાનું પીએમઓને યાદ કરાવ્યું છે.’ વડાપ્રધાન મોદીની ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતને પગલે સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક અશોક કુમારે તૈનાત પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને ડ્યૂટી દરમિયાન મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ ટાળવા જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે સુરક્ષામાં તૈનાત જવાનો પોતાના સ્પોટ પરથી ખસે નહીં. બેદરકારી વર્તનાર અધિકારીઓ અને કર્મીઓ સામે કડક પગલાં લેવાશે.
ભાજપના અધ્યક્ષ અમિત શાહ છેલ્લા તબક્કાની ચૂંટણી અને લોકસભા ચૂંટણીના પરિણામ પૂર્વે સોમનાથ દાદાના શરણે આવ્યા છે. શનિવારે અમિત શાહે તેમના પત્ની, પુત્ર, પુત્રવધુ અને પૌત્રી સહિત પરિવારજનો સાથે સોમનાથ દાદાના દર્શન કર્યા હતા તેમજ વિશેષ પૂજા કરી હતી. લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડ્યા બાદ ભાજપ અધ્યક્ષે હોમ સ્ટેટમાં સોમનાથ દાદાના દર્શનનો લાભ લીધો હતો. સહ પરિવાર તેમણે સોમનાથ દાદાની અભિષેક પૂજા અર્ચના કરી હતી. શનિવારે સવારે ભાજપ અધ્યક્ષ તેમના પરિવાર સાથે સૌપ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ભોળાનાથને શીશ ઝુકાવી પૂજા કરી હતી. અમિત શાહે પરિવાર સહિત રાજકોટ સર્કિટ હાઉસમાં રાતરોકાણ કર્યું હતું અને ત્યાંથી જ સહપરિવાર સોમનાથ દર્શને પહોંચ્યા હતા.