વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલી અદ્યતન સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલનું ઉદ્ધાટન કરી દીધું છે. પીએમ મોદી આ હોસ્પિટલનું અંદરથી નીરિક્ષણ કરી રહ્યા છે. તેમની સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મેયર બીજલબેન પટેલ તેમજ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા છે. અદ્યતન હોસ્પિટલની તમામ સુવિધાઓથી પીએમ મોદીને વાકેફ કરાવવામાં આવી રહ્યા છે. આજે વડાપ્રધાન મોદી નવી વીએસ હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું ત્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા મોદી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આવતીકાલથી જ હોસ્પિટલમાં ઓપીડીની સુવિધા શરૂ કરી દેવામાં આવશે.
જ્યારે ઓપરેશન સહિતની સુવિધા ડિસઈન્ફેક્શન કરાયા બાદ ૪૮ કલાકમાં શરૂ કરી દેવાનું આયોજન છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ હોસ્પિટલ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૭૫૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં વી છે. આ હોસ્પિટલને નવી વીએસ હોસ્પિટલ તરીકે પણ ઓળખવામાં આવશે. હોસ્પિટલ ભારત સરકારના ડિજિટલ સ્વપ્નને સાકાર કરતી પેપરલેસ હોસ્પિટલ બનશે. પેશન્ટને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે એર એમ્બ્યુલન્સ સુવિધા માટે હેલિપેડ સાથેની સૌ પ્રથમ પબ્લિક હોસ્પિટલ બનશે. ૭૮ મીટરની ઊંચાઈ ધરાવતી આ હોસ્પિટલમાં ૧.૧૦ લાખ ચો.મી. વિસ્તારમાં બાંધકામ કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલમાં કુલ ૧૫૦૦ બેડની કેપેસિટી છે, જેમાં ૧૩૦૦ જનરલ બેડની વ્યવસ્થા છે. ૧૩૯ આઈસીયુ બેડ તેમજ ૨૨ વિભાગો માટે ૯૦ ઓપીડી કન્સલ્ટેશન રૂમની વ્યવસ્થા છે.