વાદળોના કારણે લડાકુ વિમાનો રડારમાં પકડાતા નથી એવું વડાપ્રધાનનું હાસ્યાસ્પદ નિવેદન વાયરલ થયા પછી તેમનું વધુ એક નિવેદન ચર્ચાસ્પદ બન્યું હતું. ૧૯૮૭-૮૮માં ઈ-મેઈલ અને ડિજિટલ કેમેરાનો ઉપયોગ કરતો હતો એવો દાવો કરતા વડાપ્રધાન સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે એર સ્ટ્રાઈક વખતે વાદળિયું વાતાવરણ હતું એટલે એરસ્ટ્રાઈક અટકાવવાની સલાહ નિષ્ણાતોએ આપી હતી, પરંતુ વાદળના કારણે લડાકુ વિમાનો રડારમાં પકડાતા નથી એટલે નિયત સમયે જ એરસ્ટ્રાઈક કરાવી હતી. એ નિવેદન પછી ભારે હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઈ હતી અને લોકોએ સોશિયલ મીડિયામાં મોદીના જનરલ નોલેજ બાબતે સવાલો ઉઠાવ્યો હતા. તે પછી વધુ એક વિડિયો વાયરલ થયો હતો, જેમાં મોદી એવું કહે છે કે ૧૯૮૭-૮૮માં તે ઈ-મેઈલનો ઉપયોગ કરતા હતા અને એ જ વર્ષે તેમણે ડિજિટલ કેમેરાનો પણ ઉપયોગ કર્યો હતો.
મોદી એ વિડિયોમાં દાવો કરતા જણાય છે કે વડગામમાં ૧૯૮૭-૮૮માં થયેલી એક સભામાં એલ.કે. અડવાણીનો કલર ફોટો તેમણે પાડયો હતો. મોદીએ દાવો કર્યો હતો કે તે એ સમયે ડિજિટલ ફોટો પાડીને ઈ-મેઈલથી દિલ્હી મોકલી દેતા હતા. આ વિડિયો પછી લોકોએ વડાપ્રધાનને સોશિયલ મીડિયામાં ટ્રોલ કર્યા હતા. ઘણાં લોકોએ દેશમાં ઈન્ટરનેટ અને ડિજિટલ કેમેરાનો ઈતિહાસ જણાવ્યો હતો. તો કેટલાકે વડાપ્રધાનની રમૂજ કરીને લખ્યું હતું કે ‘મોદીજી, ફેંકને કી ભી કોઈ હદ હોતી હૈ!’
૧૯૮૩માં આધુનિક ઈન્ટરનેટની વિશ્વમાં શરૃઆત થઈ હતી, પણ ભારતમાં ૧૯૯૫માં સત્તાવાર રીતે ઈન્ટરનેટ સેવા શરૃ થઈ હતી. ૧૪મી ઓગસ્ટ, ૧૯૯૫માં પ્રથમ વખત સરકારી કંપની વિદેશ સંચાર નિગમ લિમિટેડે ઈન્ટરનેટની સર્વિસ શરૃ કરી હતી. એ જ રીતે ઈલેક્ટ્રોનિક કેમેરાની શોધ ૧૯૭૫માં થઈ હતી, પણ તેનું વેપારીકરણ છેક ૧૯૯૦માં થયું હતું. ૧૯૯૦માં દુનિયામાં ડિજિટલ કેમેરા ઉપલબ્ધ બન્યા હતા. મોદીના આ વિડિયો પછી લોકોએ ટીખળ કરતા લખ્યું હતું કે મોદીએ એ વખતેનું ઈ-મેઈલ એડ્રેસ લોકોને જણાવવું જોઈએ.