અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાશ્મીર મુદ્દે મધ્યસ્થી અંગેના નિવેદન મામલે હવે રાજકારણ ગરમાયું છે. ગૃહમાં કોંગ્રેસના હોબાળો અને લોકસભામાંથી વોકઆઉટ બાદ હવે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાને દેશને સાચી વાત જણાવવી જોઇએ. વડાપ્રધાન મોદીએ ભારતના હિતો સાથે દગો કર્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવા જણાવ્યું હતું. જો આ વાત સાચી છે તો વડાપ્રધાન મોદીએ 1972ની શિમલા સમજૂતિ અને ભારતના હિતોને દગો આપ્યો છે. એક નબળા વિદેશ મંત્રાલય તરફથી દાવો વખોડવાથી વાત નહીં બને. વડાપ્રધાન મોદીએ દેશને જણાવવું પડશે કે ટ્રમ્પની સાથે બેઠકમાં શું વાતચીત થઇ હતી.

ટ્રમ્પે સોમવારે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે મોદી બે સપ્તાહ પહેલા તેમની સાથે હતા અને કાશ્મીર મામલે મધ્યસ્થીની ઓફર કરી હતી. ભારતના વિદેશ મંત્રાલયે ટ્રમ્પના દાવાને નકારી દીધો હતો અને જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે આવી કોઈ વાત જ નથી થઈ. ભારત પોતાના નિર્ણય પર કાયમ છે.