છેલ્લા બે-ચાર દિવસથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેગરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, ત્યારે આજે મધ્ય ગુજરાત અને વડોદરામાં પણ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. વડોદરા શહેર અને જીલ્લામાં આજે બપોરે 12 વાગ્યા બાદ મેઘરાજાએ મનમૂકીને વરસવાનું શરૂ કરતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
વડોદરા શહેર અને જીલ્લામાં ગત મોડી રાત્રીથી અત્યાર સુધીમાં સાડા પાંચ ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. લાંબા સમય બાદ મેઘરાજાની મહેરબાનીથી શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. પરંતુ, કેટલીક જગ્યાઓ પર પાણી ભરાઈ જવાને કારણે સ્કૂલે જતા બાળકો, અને નોકરી ધંધે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લારી, પાથરણા કરી ધંધો કરતા લોકોની હાલત પણ કફોડી બની છે, વરસાદના કારણે ધંધા રોજગાર પર પણ આજે અસર જોવા મળી રહી છે.
કેટલાક વિસ્તારોમાં વરસાદને પગલે વીજપુરવઠો ખોરવાઇ ગયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. વીજ કંપનીઓની ટીમ ચાલુ વરસાદે પણ વીજ પુરવઠો ફરી શરૂ થાય તે માટે કામે લાગી ગઈ છે. સૌથી વધુ કફોડી હાલત ઝુંપડામાં રહેતા લોકોની છે, વરસાદથી બચવા માટે તે લોકો અવનવા પ્રયોગ કરી રહ્યા છે.
જો વરસાદના આંકડા પર નજર કરીએ તો, છેલ્લા 24 કલાકમાં પાદરા-22 મિ.મી., સાવલી-17 મિ.મી., ડેસર-29 મિ.મી., ડભોઇ- 47 મિ.મી., શિનોર-5 મિ.મી., કરજણ- 14 મિ.મી., અને વાઘોડિયા તાલુકામાં 22 મિ.મી. વરસાદ નોંધાયો છે.
વડોદરા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી નીચાણવાળા વિસ્તારોમાં જલબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં એમ.જી. રોડ, માંડવી-ગેંડીગેટ રોડ, વાડી ટાવર, પાણીગેટ રોડ, રાવપુરા, દાંડિયા બજાર રોડ સહિત શહેરના વિવિધ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સયાજીગંજ અને અલકાપુરીને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતાં સંપર્ક વિહોણો જેવા બની ગયા છે.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં ટી.બી. હોસ્પિટલ સામે આવેલી લક્ષ્મીદાસ નગર-2, રૂપલ પાર્ક, નવનાથ નગર સહિત વિવિધ સોસાયટીઓમાં રોડ ઉપર ભરાયેલા પાણી ઘરોમાં ઘૂસી ગયા છે. ચોમાસામાં ભારે વરસાદને કારણે સર્જાતી સમસ્યાને કારણે સોસાયટીના મકાન માલિકોએ ઘરના દરવાજા પાસે ઉંચી પાળી બનાવેલી છે. આજે ભારે વરસાદના પગલે વરસાદના રોડ ઉપર ભરાયેલા પાણી પાળી ઓળંગીને ઘરમાં ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. આ ઉપરાંત ડ્રેનેજ લાઇનો અને વરસાદી ગટરો ચોકઅપ થઇ જવાના કારણે પાણીનો નિકાલ ન થતાં ઘરના ટોયલેટોમાંથી પાણી ઉભરાઇને ઘરમાં આવી જતાં લોકો દયનીય હાલતમાં મુકાઇ ગયા છે.