લંડનમાં મંગળવારે (20મી) એક અભિયાનનો આરંભ કરાયો હતો, જેનો ધ્યેય ભારત તેમજ અખાતી દેશોમાંથી વધુ પ્રવાસીઓને યુકેમાં આકર્ષિત કરવાનો છે. એ અભિયાનના એક ભાગરૂપે યુકેમાં તેના પ્રકારની એક વિશિષ્ટ, સૌપ્રથમ ભાગીદારી સ્થાપવામાં આવી છે. તેમાં યુકેના ત્રણ સૌથી મોટા શહેરો – લંડન, માન્ચેસ્ટર અને બર્મિંગહામે હાથ મિલાવ્યા છે. આ ત્રણ શહેરો સાથે મળીને ‘એક્સપીરીયન્સ ઈંગ્લેન્ડ ઈનિશિએટીવ’ શરૂ કરી રહ્યા છે. તેઓ ઈંગ્લેન્ડની સર્વોત્તમ ટુરિઝમ યોજનાઓનો પ્રચાર વિશ્વની સૌથી વધુ ઝડપે વિકસી રહેલા માર્કેટ્સ – ભારત, ચીન તથા ગલ્ફના દેશો – બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને યુનાઈટેડ આરબ અમિરાતમાં (યુએઈ) કરશે. લંડનના મેયર સાદિક ખાને આ યોજનાની પ્રસ્તુતી પ્રસંગે કહ્યું હતું કે, યુકેના સૌથી વધુ લોકપ્રિય 10 ટુરિસ્ટ આકર્ષણો લંડનમાં આવેલા છે. દર વર્ષે લાખ્ખો પ્રવાસીઓ લંડન આવે છે. હવે અમારૂં લક્ષ્ય છે કે લંડન આવતા પ્રવાસીઓ દેશના અન્ય ભાગોની પણ મુલાકાત લઈ ત્યાંનો અનુભવ માણે. એ હેતુસર આ બે શહેરો સાથે અમે એક નવી ભાગીદારી શરૂ કરી છે. ભારતની આવતા પ્રવાસીઓની આંકડાકિય માહિતી રજૂ કરતાં સાદિક ખાને કહ્યું હતું કે 2016માં 2.73 લાખ ભારતીયોએ લંડનની મુલાકાત લીધી હતી. 2011ની તુલનાએ, પાંચ વર્ષમાં તેમાં 16 ટકા વધારો નોંધાયો હતો. ટુરિઝમ વિઝન ફોર લંડનના એક રીપોર્ટમાં દર્શાવવામાં આવેલા અંદાજો પ્રમાણે 2025 સુધીમાં લંડન આવતા ભારતીય ટુરિસ્ટ્સની સંખ્યામાં 90 ટકા વધારો થવાની ધારણા છે. એ જ ગાળામાં ટુરિસ્ટ્સ દ્વારા અહીંની મુલાકાત દરમિયાન વાપરવામાં આવતા નાણાંના પ્રમાણમાં તો તેનાથી પણ બમણો – 180 ટકા વધારો થવાની ધારણા છે. ભારત, ચીન અને ગલ્ફના દેશોમાંથી પ્રવાસીઓની સંખ્યામાં સૌથી મોટો વધારો થવાની ધારણા છે.