હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામનો માનસિક દિવ્યાંગ યુવક લોકોના વરઘોડામાં મનમૂકીને નાચતો હતો અને મારુ પણ લગ્ન થાય અને વરઘોડો નીકળે તેવા ઓરતા ગત ફેબ્રુઆરી માસમાં પુત્રના લગ્નમાં ચહેરા પર જોઈ ગયેલ તેના કાકાએ નક્કી કર્યું કે ઉનાળામાં દિવ્યાંગ ભત્રીજાના કોડ પુરા કરવા છે અને દિવ્યાંગ યુવકની લગ્ન કંકોત્રી છપાવી , શુક્રવારે વરઘોડો કાઢી જમણવાર રાખી ઈચ્છા પૂર્ણ કરી હતી. વધૂ વગરના અનોખા લગ્ન યોજાયા હતા.

હિંમતનગરના ચાંપલાનાર ગામનો અજય ઉર્ફે પોપટ બાળપણથી જ માનસિક રીતે દિવ્યાંગ છે. અજયના પિતા વિષ્ણુભાઈએ જણાવ્યું કે , ચાંપલાનાર ગામમાં ગમે તેનું લગ્ન હોય કે નવરાત્રી નાચવામાં અજય સૌથી આગળ હોય. બીજાના લગ્નના વરઘોડા જોઇને અજય હમેશા પૂછતો કે એના લગ્ન ક્યારે ? અને આ સવાલ સાંભળી મારી અને મારી પત્ની જે અજયની સાવકી હોવા છતાં પોતાની સગી માતા કરતા સવિશેષ એવી તેની માતાની આંખમાં આંસુ આવી જતા અને છેલ્લે અજયના કાકા કમલેશભાઈ બારોટે ભત્રીજાની ઈચ્છા પૂર્ણ કરવા સહકાર અપાતા લગ્ન યોજી અજય ઉર્ફે પોપટના લગ્નપ્રસંગ ધામધૂમ થી યોજાયો હતો.

અજયના કાકા કમલેશભાઈ બારોટે જણાવ્યું કે ગત ફેબ્રુઆરી માસમાં મારા પુત્રના લગ્ન હતા લગ્નપ્રસંગ દરમ્યાન અજયના ચહેરા પરના હાવભાવ જોઈ મેં મારી પત્નીને કહ્યું હતું કે ઉનાળામાં અજયનો વરઘોડો કાઢવો છે. કંકોતરી પણ છપાવી ગુરુવારે ગણેશ સ્થાપન ગ્રહશાંતિ પણ કરી અને મુલતાની માટીથી પીઠી પણ ચોળી અને શુક્રવારે બેન્ડવાજા સાથે વરઘોડો કાઢ્યો હતો. માનસિક રીતે દિવ્યાંગ લોકોના નસીબમાં લગ્ન નથી હોતા પરંતુ તેમના પણ મનમાં લગ્નનાં ઓરતા હોય છે ત્યારે અજય આ બાબતે નસીબદાર રહ્યો હતો અને તેનું વરરાજા બનવાનું સ્વપ્ન વાસ્તવિકતામાં પલટાયુ હતું. ભલે લગ્નમાં કન્યા ન હતી તેમ છતાં લગ્નનો હરખ અજયના ચહેરા પર ઝળકી ઉઠયો હતો.