ભારતે વર્લ્ડ કપનો ધમાકેદાર પ્રારંભ કરતા સાઉથ આફ્રિકાને સાવ આસાનીથી ૧૫ બોલ બાકી હતા ત્યારે ૬ વિકેટથી પરાજય આપ્યો હતો. સાઉથ આફ્રિકાએ તેની ૫૦ ઓવરોમાં ૯ વિકેટે ૨૨૭ રનનો સ્કોર જ કર્યો હતો. જવાબમાં ભારતે ઓપનર અને મેન ઓફ ધ મેચ રોહિત શર્માના ૧૪૪ બોલમાં ૧૩ ચોગ્ગા અને બે છગ્ગા સાથેના અણનમ ૧૨૨ રનની મદદથી ૪૭.૩ ઓવરોમાં ૪ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.
ભારતના વિજયમાં સ્પિનર ચહલનું પણ મહત્ત્વનું યોગદાન હતું તેણે ૧૦ ઓવરોમાં ૫૧ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. બુમરાહે બંને ઓપનર અમલા (૬) અને ડી કોક (૧૦)ને તેની બીજી અને ત્રીજી ઓવરમાં આઉટ કરીને સાઉથ આફ્રિકાને ઝટકો આપ્યો. તે પછી ચહલે મીડલ ઓર્ડરમાં ગાબડા પાડતા ત્રણેયવિકેટો ડુ પ્લેસિસ, હુસેન ને મિલરની વિકેટ ઝડપી હતી. આ ત્રણેય બેટસમેનો સેટ થઈ ગયા હોય તેમ લાગતું હતું. ૮૯ રનમાં સાઉથ આફ્રિકાની અડધી ટીમ પેવેલિયનમાં પહોંચી ગઈ હતી. સાઉથ આફ્રિકા તરફથી સૌથી મોટી ભાગીદારી આઠમી વિકેટની ૬૬ રનની ફેહલુકાવ્યો અને મોરિસ વચ્ચે નોંધાઈ હતી. બુમરાહ અને ભુવનેશ્વર કુમારે બે-બે વિકેટ ઝડપી હતી.
સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશ સામે બીજી બેટિંગ કરતા ૩૦૦ ઉપરનો સ્કોર પરાજય પામતા પણ નોંધાવ્યો હતો ત્યારે આ વખતે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો તે આશ્ચર્યજનક લાગતું હતું.
૨૨૮ રનનો જ ટાર્ગેટ આપતા અને ભારતના બોલરોએ સાઉથ આફ્રિકાને હતાશ કરી દેતા તેઓ ૨૨૭નો સ્કોર ડિફેન્ડ કરવા ઉતર્યા ત્યારે હતાશ જણાતા હતા. પ્રથમ બંને મેચ હાર્યા પછી ત્રીજી મેચ હારતા તેઓ વર્લ્ડકપમાંથી લગભગ બહાર ફેંકાઈ જશે તે ભય અને હતાશા ડોકાતી હતી.
તેઓના મુખ્ય સ્ટ્રાઈક બોલર સ્ટેન અને એન્ડિગી પણ અનફીટ હોઈ બોલિંગ હરોળ ખૂબ જ સામાન્ય જણાતી હતી. ભારતના બેટસમેનો એકપણ એવી સ્થિતિમાં નહતા કે તેઓ દબાણ હેઠળ હોય. ભારત પર રનરેટનું સહેજ પણ દબાણ નહોતું. ધવન અને કોહલી ૨૮ રને આઉટ થયા તો પણ ભારતની બેટિંગ લાઈનઅપ મજબુત હતી.
રોહિત શર્મા અડિખમ બેટિંગ કરતો હતો. તેની સામે છેડે નાની-મોટી ભાગીદારીની જ જરૂર હતી. રોહિત શર્ જ મહત્તમ સ્કોર કરતો હતો. રોહિત શર્મા અને રાહુલ વચ્ચે ત્રીજી વિકેટની ૮૫ રનની ભાગીદારી થઈ હતી. જ્યારે રોહિત શર્મા અને ધોની વચ્ચે ચોથી વિકેટની ૮૪ રનની ભાગીદારી નોંધાઈ હતી. સાઉથ આફ્રિકા તરફતી રબાડાએ ૧૦ ઓવરોમાં ૩૯ રન આપી ૨ વિકેટ ઝડપી હતી. સ્પિનર શામ્શી અન્ તાહિર પ્રભાવ નહતા પાડી શક્યા.
વર્લ્ડ કપમાં ભારતના વિજયી પ્રારંભની સાથે ભારતીય કેપ્ટન કોહલીએ કેપ્ટન તરીકે ૫૦મો વન ડે વિજય મેળવીને રેકોર્ડ બુકમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું હતુ. કોહલીની કારકિર્દીની કેપ્ટન તરીકેની ૬૯મી વન ડેમાં તેણે ૫૦ વિજયની સિદ્ધિ હાંસલ કરી હતી. સૌથી ઓછી મેચોમાં ૫૦ વિજય મેળવવામાં તે ત્રીજા ક્રમે છે. પ્રથમ ક્રમે ક્લાઈવ લોઈડ અને રિકી પોન્ટિંગ છે,જેઓએ કેપ્ટન તરીકે શરૂઆતની માત્ર ૬૩ વન ડેમાં જ ૫૦ વિજય મેળવી લીધા હતા. જ્યારે બીજા ક્રમે સાઉથ આફ્રિકાનો સ્વ. કેપ્ટન હેન્સી ક્રોનિએ છે, જેણે ૬૮ વન ડેમાં આ સિદ્ધિ મેળવી હતી.
ભારતને વર્લ્ડ કપમાં વિજયી શુભારંભ અપાવવામાં રોહિત શર્માએ પાયાની ભૂમિકા ભજવતા અણનમ ૧૨૨ રન ફટકાર્યા હતા. આ સાથે તે કારકિર્દીમાં વન ડેમાં રન ચેઝ કરતાં ૯મી વખત સદી સાથે અણનમ રહ્યો હતો. આ યાદીમાં કોહલી ૧૧ વખત રન ચેઝમાં સદી સાથે અણનમ રહીને પ્રથમ ક્રમે છે.