ભારતના ઓડિશામાં ગયા સપ્તાહે શરૂ થયેલી વર્લ્ડ કપ હોકી સ્પર્ધામાં યજમાન ભારતે રવિવાર સુધીમાં પોતાની બે મેચમાંથી પહેલીમાં દક્ષિણ આફ્રિકા સામે વિજય અને પછી બીજી મેચમાં બેલ્જિયમ સામે ડ્રો કરતાં હવે તેની ગ્રુપ સ્તરની એક જ મેચ બાકી રહી છે ત્યારે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવવું યજમાન માટે થોડું મુશ્કેલ બન્યું છે.
રવિવારે બેલ્જિયમ સામેની બીજી મેચમાં ભારતનો વિજય લગભગ નિશ્ચિત જણાતો હતો ત્યારે છેલ્લી મિનિટોમાં બેલ્જિયમે બરાબરીનો ગોલ કરી નાખતાં મેચ આખરે 2-2થી ડ્રો થઈ હતી. આ મજબૂત હરીફ ગણાતી ટીમ સામે ભારતે આક્રમક ગેમ દ્વારા એક તબક્કે ૨-૧થી સરસાઈ મેળવી લીધી હતી. જોકે મેચની ફક્ત ચાર મિનિટ બાકી હતી ત્યારે બેલ્જિયમે બીજો ગોલ કરી ભારતને વિજયથી વંચિત રાખ્યું હતુ. હવે ભારતની છેલ્લી પૂલ મેચ ૮મી ડિસેમ્બરે કેનેડા સામે છે.
શુક્રવારે જ કેનેડા અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ ૧-૧થી ડ્રો થઈ હતી. હવે ભારત અને કેનેડા વચ્ચેનો મુકાબલો રોમાંચક બનશે. બેલ્જિયમની ટીમ સાઉથ આફ્રિકા સામે જીતવા માટે ફેવરિટ છે. ભારતે સાઉથ આફ્રિકાને ૫-૦થી હરાવ્યુ હતુ. તેના કારણે ગ્રુપમાં ટોચની ટીમનો નિર્ણય બે ટીમોના પોઈન્ટ્સ સરખા થાય તો ગોલ ડિફરન્સને આધારે લેવો પડે તેવી શક્યતા પણ છે.
ભારતે જબરજસ્ત દેખાવ કર્યો હતો. મેચની આઠમી મિનિટે જ એલેક્ઝાન્ડર હેન્ડરિક્સે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને બેલ્જિયમને સરસાઈ અપાવી હતી. ટાઈમે તેઓએ ૧-૦ની સરસાઈ જાળવી રાખી હતી. ત્રીજા ક્વાર્ટરમાં પણ બંને ટીમોએ આક્રમક રમત દાખવી હતી. આખરે ૩૯મી મિનિટે ડ્રેગ ફ્લિકર હરમનપ્રીત સિંઘે ગોલ કરી ભારતને ૧-૧થી બરોબરીમાં લાવી દીધું હતું. ચોથા ક્વાર્ટરના પ્રારંભે જ સિમરનજીત સિંઘે ગોલ કરી ભારતને ૨-૧ની સરસાઈ અપાવી હતી. તેનાથી ખેલાડીઓ જોશમાં આવી ગયા હતા અને સ્ટેડિયમમાં ઉપસ્થિત ચાહકોમાં ભારે રોમાંચનો માહોલ જામ્યો હતો. અંતે, ચાર મિનિટ બાકી હતી ત્યારે ગોગ્નાર્ડે ગોલ કરી સ્કોર ૨-૨થી બરોબરી પર લાવી દીધો હતો.
દક્ષિણ આફ્રિકા સામે 5-0થી વિજયઃ અગાઉ બુધવારે પહેલી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે ૫-૦થી વિજય સાથે શાનદાર શરૂઆત કરી હતી. વર્લ્ડ રેન્કિંગમાં પાંચમું સ્થાન ધરાવતી ભારતીય ટીમે ૧૫માં ક્રમાંકિત દક્ષિણ આફ્રિકા સામે આક્રમક ગેમ સાથે પોઈન્ટ ટેબલમાં પણ ખાતુ ખોલાવી દીધું હતુ. સાઉથ આફ્રિકાના ખેલાડીઓએ
મેચમાં સંઘર્ષ તો સારો કર્યો હતો, પણ ભારતીય ડિફેન્સ ભેદવામાં નિષ્ફળ રહ્યા હતા. ભારત તરફથી સિમરનજીત સિંઘે બે ગોલ ફટકાર્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.