વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૯મી આવૃત્તિનું રવિવાર, 20 જાન્યુઆરીએ સમાપન થયું હતું. ત્રણ દિવસની આ સમિટમાં કુલ ૨૮,૩૬૦ જેટલા એમઓયુ (મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડીંગ-સમજૂતિ કરાર) કરાયા હતા. આવા એમઓયુના અમલીકરણના હયાત આશરે ૭૫ ટકાના દર મુજબ આગામી વર્ષોમાં ૨૧ લાખથી વધુ રોજગારીની તકો ઊભી થશે. જો કે, સમિટના અંતે એમઓયુમાં કરાયેલી ઓફર મુજબના મૂડીરોકાણ માટેની કુલ રકમનો આંકડો અપાયો નહોતો.
સમાપન સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેલા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે, વિશ્વ ભારત ભણી અને ભારત ગુજરાત ભણી મીટ માંડી બેઠું છે. ઢોકળા, દાંડિયા અને ડાયમંડની ઓળખ ધરાવતાં ગુજરાતમાં હવે કૌશલ્ય અને સાહસિકતાનો ઉમેરો થયો છે. મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગુજરાતને ગેટ-વે ટુ ધ વર્લ્ડ ગણાવીને કહ્યું હતું કે, હવે, દસેય દિશાઓમાં ગુજરાતની ખ્યાતિ વિસ્તરી છે. ગુજરાત હવે, ઉધોગકારો માટે ગ્લોબલ ઓફિસ બન્યુ છે. આ સમિટ દ્વારા ગુજરાત વિશ્વ સાથે બ્રાન્ડીંગનો નહીં પણ બોન્ડીંગનો નાતો પ્રસ્થાપત કર્યો છે.
વાઇબ્રન્ટ સમિટ હવે વૈશ્વિક ફોરમ બન્યુંઃ મોદી

ગુજરાતની ઓળખ સમાન, દર બે વર્ષે યોજાતા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ૯મા સંસ્કરણનું ૧૮મીના શુક્રવારે મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્ય ઉદ્‌ઘાટન કર્યું હતું. સામાન્ય રીતે તેમનું પ્રવચન ૪૦થી ૪૫ મિનિટનું હોય છે પણ આ વખતે તેમણે આશ્ચર્યજનક રીતે, માત્ર ૨૨ મિનિટમાં પ્રવચન પુરુ કરી નાંખ્યું હતું. તેમાં તેઓ જાણે લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે પોતાની સરકારના શાસનની કામગીરીની આછેરી ઝલક આપતાં હોય તેમ પોતાની સિદ્ધિઓ વર્ણવી હતી. જોકે, ગત સમિટમાં યુકે અને યુએસએ સહિત ૧૨ જેટલા રાષ્ટ્રો પાર્ટનર તરીકે જોડાયા હતા. તેના સ્થાને આ વખતે યુકે અને યુએસએ પાર્ટનર નથી બન્યા, પણ બીજા ૧૫ દેશો પાર્ટનર કન્ટ્રી બન્યા છે. મોદીએ પ્રવચનમાં મુખ્યત્વે ગુજરાત, દેશના અન્ય રાજ્યો, ભારત અને વિશ્વના દેશો માટે સમિટનું મહત્વ સમજાવીને ભારતને હવે વિશ્વમાં સૌથી વધુ ઝડપે વિકસતું રાષ્ટ્ર ગણાવ્યું હતું.
ભારત વેપાર વાણિજ્યમાં ક્યારેય નહોતું તેના કરતાં અત્યારે વધુ સજ્જ છે તેમ કહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં રોકાણકારોને આવવા માટે ઈજન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટ હવે વાસ્તવિક રીતે વૈશ્વિક ફોરમમાં પરિવર્તિત થઈ ગઈ છે. ભારતની મુલાકાત લેનારાઓને તેની બદલાયેલી હવાની અનુભૂતિ થાય છે.
આ સરકારનો મંત્ર છે કે અહીં ઓછામાં ઓછું શાસન અને મહત્તમ સંચાલન (મિનિમમ ગવર્નમેન્ટ, મેકસિમમ ગવર્નન્સ) હોય. તેમાં ગવર્નમેન્ટ એટલે રીફોર્મ, પર્ફોર્મ, ટ્રાન્સફોર્મ એન્ડ ફરધર પરફોર્મ છે, જેના કારણે વિશ્વમાં આજે ભારત સૌથી ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર બન્યું છે. પ્રત્યેક ક્ષેત્રોમાં બદલાવને કારણે દેશની કુલ આવકનો વૃધ્ધિદર ૭.૩ ટકા રહ્યો છે. આવા ‘નયા ભારત’ના નિર્માણમાં સહયોગી થવા માટે વડાપ્રધાને ઉદ્યોગકારોને અપીલ કરતાં કહ્યું હતું કે,‘તમે ભારતમાં આવો, મૂડીરોકાણ માટે હાથ લંબાવો, સાથ આપવા ભારત હંમેશા તૈયાર છે.’
આ સમિટ માત્ર ગુજરાતની જ નહીં પણ ભારત દેશની ટ્રાન્સફોર્મેશન જર્ની બની છે એમ જણાવીને તેમણે કહ્યું હતું કે, આ સમિટમાં માત્ર ભારતીયો જ નહીં પણ વિશ્વના સમુદાયોના વિકાસનું પણ ચિંતન થઈ રહ્યું છે, એટલે જ ૧૫ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે તથા ૧૧ જેટલા વિશ્વના પાર્ટનર ઓર્ગેનાઈઝેશન જોડાયા છે. આ તબક્કે તેમણે વિકાસશીલ દેશો માટે વિકાસ પ્રક્રિયા સામેના પડકારોની વિગતો આપી હતી. તેમણે ઉમેર્યું કે, વેપાર-ઉદ્યોગ માટે ભારત અગાઉ નહોતો એટલો સક્ષમ દેશ બન્યો છે. વિશ્વ બેંકના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના માપદંડોમાં ભારતે ૬૫ ક્રમનો કૂદકો લગાવીને પ્રગતિ કરી છે. જોકે, તેનાથી સંતોષ માનવાને બદલે વડાપ્રધાને કહ્યું હતું કે, ભારત વિશ્વના ટોપ-૧૫ની યાદીમાં સામેલ થાય તે માટે પુરુષાર્થ કરાશે.
મોદીએ કહ્યું કે, દેશમાં જીએસટીના માધ્યમથી સમાન વેરા, સરળીકરણ અને ડિજિટાઈજેશનને કારણે ૯૦ ટકા મંજૂરીઓ સ્વયં સંચાલિત થઈ ગઈ છે. વેપાર પ્રક્રિયા સરળ બની છે. વિશ્વ આખું અત્યારે ભારત તરફ મીટ માંડીને બેઠું છે. ભારતમાં સીધું મૂડી રોકાણ ૨૬૩ બિલિયન અમેરિકન ડોલરે પહોંચ્યું છે. ભારતની ગણના હવે સીધું મૂડી રોકાણ મેળવનારા (FDI ડેસ્ટીનેશન) વિશ્વના પ્રથમ ૧૦ દેશોમાં થાય છે.
વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા કેનેડા, ફ્રાન્સ, જાપાન, ઓસ્ટ્રેલિયા, મોરોક્કો, ડેન્માર્ક, ચેક રિપબ્લિક, નોર્વે, પોલેન્ડ, સાઉથ આફ્રિકા, સાઉથ કોરિયા, થાઈલેન્ડ, નેધરલેન્ડ, યુએઈ અને ઉઝબેકિસ્તાન જેવા ૧૫ જેટલા દેશોના વડા, ૧૧ પાર્ટનર ઓર્ગેનાઈઝેશન્સ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. અહીં મોદીએ એમ કહ્યું હતું કે, હવે આંતરરાષ્ટ્રિય સમિટનો લાભ રાષ્ટ્રની રાજધાની પૂરતી સીમિત નથી. તેનો લાભ રાજ્યોને પણ મળી રહ્યો છે. ભારતના ૮ રાજ્યો આ સમિટમાં સહભાગી થઈને પોતાના રાજ્યોમાં પણ વેપારની સંભાવના વધે તે માટે ફોરમનો ઉપયોગ કરી રહ્યાં છે.
વડાપ્રધાને તેમના ચાર વર્ષના શાસનની સિધ્ધિઓ વર્ણવી હતી. તેમણે કહ્યું હતું કે, દેશભરમાં રોડ-રસ્તાના નિર્માણની ઝડપ વધી છે. કૃષિ વિકાસ દર વધ્યો છે. ૯૦ ટકા ગામડાઓને રસ્તાનું જોડાણ મળ્યું છે. એવી જ રીતે ફુગાવાના દરમાં પણ ભારે ઘટાડો થયો છે. ભારત હવે મોર્ડન અને કોમ્પિટિટિવ (સ્પર્ધાત્મક) બન્યું છે. દેશમાં તબીબી સેવાઓ, વીમા યોજનાઓ અને આયુષ્યમાન યોજનાનો લાભ ૫૦ કરોડ લોકોને મળી રહ્યો છે. ૧૫ શહેરોમાં મેટ્રો રેલવેનું નિર્માણ થઈ રહ્યું છે અને પાંચ કરોડ સસ્તા આવાસોનું નિર્માણ થઈ રહ્યું છે.
ઉદ્યોગપતિઓએ મળીને રૂા. ૪.૨૫ લાખ કરોડના મૂડીરોકાણોની જાહેરાત કરી
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દેશના જુદા જુદા ઉદ્યોગપતિઓએ મળીને રૂા. ૪.૨૫ લાખ કરોડના મૂડીરોકાણોની જાહેરાતો કરી છે. આગામી પાંચથી દસ વર્ષમાં તેઓ આ મૂડીરોકાણ ગુજરાતમાં કરવાના હોવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના ઉદ્યોગના મોભીઓએ રૂા. ૩.૮૦ લાખ કરોડના રોકાણની જાહેરાત કરી તે ઉપરાંત ચીનની કંપની ટિન્સાન ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન શાંગેએ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજ્યનમાં રૂા. ૨૧૦૦૦ કરોડનું મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ જ રીતે બંદર વિકાસ માટેને સેમિનારમાં રૂા.૩૬,૧૨૮ કરોડના એમ.ઓ.યુ. થયા હતા. ગાંધીનગરની પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીને શ્રેષ્ઠ યુનિવર્સિટી બનાવવા માટે તેમાં રૂા. ૧૫૦ કરોડનું નવું રોકાણ કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. મુકેશ અંબાણીએ ૩ લાખ કરોડના, ગૌતમ અદાણીએ રૂા. ૫૫૦૦૦ કરોડના અને આદિત્ય બિરલા ગ્રુપે રૂા. ૧૫૦૦૦ કરોડની અને ટોરેન્ટ ગ્રુપે રૂા. ૧૦૦૦૦ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. ટાટા ગ્રુપે પણ તેમના વિસ્તરણની યોજના જાહેર કરી હતી. આ જ રીતે સુઝુકી મોટર્સે પણ ૨૦૨૦ સુધીમાં તેમનો ત્રીજો ઓટોમોબાઈલ પ્લાન્ટ ગુજરાતમાં ધમધમતો કરી દેવાના ઇરાદાની જાહેરાત કરી છે.