ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 71 તાલુકામાં વરસાદ પડ્યો છે. વાયુની અસરને પગલે ભાવનગરમાં સૌથી વધારે 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે જાફરાબાદ, ખાંભા , પાલીતાણા, અને મહુવામાં 1.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે ભાવનગરના અન્ય તાલુકાઓમાં એક ઈંચ અને તેનાથી ઓછો વરસાદ નોંધાયો હતો.

વાયુ વાવાઝોડાની અસરને પગલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપડા પડ્યા હતા. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. તો અનેક જગ્યાએ વીજળી પડવાની પણ ઘટના સામે આવી હતી. દરિયાકાંઠાના સુરત, ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.વલસાડ જિલ્લાના કપરાડા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ અને પવન ફુંકાયો હતો.

2 અલગ અલગ જગ્યાએ વૃક્ષો પડવાના બનાવો બન્યા હતા. વરસાદને લઇ વાહન ચાલકો અટવાયા હતા. વૃક્ષો પડતાં કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. અમરેલી જિલ્લાના ખાંભા અને જાફરાબાદમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો. બોટાદ અમરેલી અને ભાવનગર જિલ્લામાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદના કેટાલક વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.