રાજ્યમાં વાયુ વાવાઝોડાના પગલે ચોમાસાના પગરણ થયા છે. સવારે 8.૦૦ વાગે પુરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના 37 તાલુકાઓ એવા છે કે જ્યાં 12 મી.મી. એટલે કે અડધા ઇંચથી લઇને 45 મી.મી. એટલે કે બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ 108 તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદની ઝલક જોવા મળી છે.
રાજયના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ આજે સવારે 8.૦૦ વાગે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 28 જિલ્લાઓના 108 તાલુકામાં હળવા ઝાપટાથી લઇ બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. વરસાદની જિલ્લાવાર માહિતી જોઇએ તો પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં 45, સરસ્વતી તથા હારિજમાં 16, પાટણમાં 18, બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં 33, પાલનપુરમાં 17, દિયોદરમાં 14, દાંતા અને ડિસામાં 12-12, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં 43, હિંમતનગરમાં 34, ઇડરમાં 22, ખેડબ્રહ્મામાં 21, તલોદમાં 21, વડાલીમાં 18 અને 16 મી.મી., મહેસાણા જિલ્લાના વિજાપુરમાં 38, વિસનગરમાં 36, વડનગરમાં 21, મહેસાણામાં 22 અને ઉંઝામાં 11 મી.મી., અરવલ્લી જિલ્લાના બાયડમાં 33 મી.મી., ગાંધીનગર જિલ્લાના માણસામાં ૩૩ અને કલોલમાં 24 મી.મી. વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. જેમાં કચ્છ જિલ્લાના લખપતમાં 16 મી.મી., દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 25 મી.મી., જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં 12 મી.મી., ભાવનગર જિલ્લાના જેસરમાં 20 મી.મી., અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 25 મી.મી., ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં 14 મી.મી, પોરબંદર જિલ્લાના રાણાવાવમાં 12 મી.મી., રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 11 મી.મી. તથા જામનગર તાલુકામાં 26 મી.મી. વરસાદ નોંધાયો છે આ સાથે રાજ્યના મધ્ય તથા દક્ષિણ ગુજરાતની વરસાદની સ્થિતિ વિશે માહિતી મેળવી લઇએ. ખેડા જિલ્લાના કઠલાલમાં 13 મી.મી., તાપી જિલ્લાના ઉચ્છલમાં 27 મી.મી. અને સોનગઢમાં 15 મી.મી., જ્યારે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં 38 મી.મી. વરસાદ વરસ્યો હતો.