13મી જૂને વહેલી સવારે ‘વાયુ’ ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે તેને ધ્યાનમાં રાખીને સુરતના બીચ બંધ કરી દેવામાં આવ્યા છે. રાજકોટમાં મ્યુનિસિપલ કમિશ્નર તરફથી 13મી તારીખે શાળા અને કોલેજો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ વાવાઝોડાના સંકટને પગલે તંત્ર પણ સાબદુ બન્યું છે, તેમજ લોકોનાં સ્થળાંતર સહિતની કાર્યવાહી શરૂ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડા અંગે નિવેદન આપતા જણાવ્યું કે, બુધવારે કેબિનેટની બેઠકમાં ફક્ત વાવાઝોડા પર જ ચર્ચા કરવામાં આવશે. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર તમામ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી વાયુ વાવાઝોડા પર નિવેદન આપતા જણાવ્યું હતું કે, બુધવારે કેબિનેટ બેઠકનો મુદ્દો વાવાઝોડું હશે. વાવાઝોડાને પગલે રાજ્યમાં એનડીઆરએફની ટીમે બોલાવી લેવામાં આવી છે. તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. માછીમારીને દરિયામાં નહીં જવા અને જે લોકો ગયા હોય તેને પરત બોલાવી લેવામાં આવ્યા છે. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર તૈયાર છે.વાયુ વાવાઝોડાને પગલે સુરતના ડુમસ બીચ અને ગોલ્ડન બીચ બંધ કરાયા છે. પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે બીચ બંધ કરવામાં આવ્યા છે. બંને બીચ આગામી તા. 15 સુધી બંધ રહેશે.

13મીએ વહેલી સવારે પોરબંદરના કાંઠે વાવાઝોડું ત્રાટકશે ત્યારે 120થી 130 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ભારે પવનને કારણે તોતિંગ વૃક્ષો ઉખડી પડતા હોય છે. પવનને કારણે વૃક્ષો ઉખડી ન જાય તે માટે જોખમી વૃક્ષોનું ટ્રિમિંગ શરૂ કરી દેવાયું છે.રાજકોટમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગામી 13મી જૂનના રોજ રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર તરફથી સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.વાવાઝોડાના જોખમને પગલે મોરબીમાં 5900 લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે. છેવાડાના 35 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મોરબી વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાની અગમચેતીના પગલાં ભરવામાં આવ્યા છે.