વિકી કૌશલ હવે ફ્રિડમ ફાઇટર સરદાર ઉધમ સિંહની ભૂમિકામાં જોવા મળવાનો છે. આ ફિલ્મને શૂજિત સરકાર ડિરેક્ટ કરશે. ક્રાન્તિકારી ઉધમ સિંહે ૧૯૧૯ના જલિયાંવાલા બાગની ઘટનાનો બદલો લેવા માટે બ્રિટિશ ઇન્ડિયાના સમયમાં પંજાબના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓડાયરની હત્યા કરી હતી. આ રોલ માટે વિકીની પસંદગી કરવા વિશે શૂજિત સરકારે કહ્યું હતું કે ‘તમે વિકીના કામનો ટ્રૅક-રેકૉર્ડ જુઓ તો તેણે ફિલ્મોની ચૉઇસને લઈને ખૂબ જ સાહસી નિર્ણયો લીધા છે. મને એવા કલાકારની શોધ હતી જે પાત્રમાં દિલ અને આત્મા પૂરે. વિકી પંજાબી છે અને મારી ફિલ્મની સ્ટોરી પણ પંજાબી વ્યક્તિની છે.’‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં પોતાના દમદાર અભિનયથી લોકોનાં દિલોમાં અમીટ છાપ છોડનાર વિકી કૌશલે કહ્યું હતું કે ‘આ એક અદ્ભુત લાગણી છે. તેમની સાથે કામ કરવું મારા માટે સપનું પૂરું થવા સમાન છે. હું પહેલેથી જ શૂજિત સરનો પ્રશંસક રહ્યો છું. પાત્રને જોવાની તેમની જે છટા છે એ ખૂબ જ અવર્ણનિય અને સુંદર છે. મારા માટે આ એક સન્માનની વાત છે કે આખરે તેઓ મને ડિરેક્ટ કરશે. ખરું કહું તો મને એ સમજવામાં પણ થોડો સમય લાગશે.’