The president of Board of Control for Cricket in India (BCCI) N.Srinivasan (R) presents the life time achievement award to former Indian cricket captain Ajit Wadekar during the BCCI Awards 2010-11 in Chennai on December 10, 2011. AFP PHOTO/ Dibyangshu SARKAR (Photo credit should read DIBYANGSHU SARKAR/AFP/Getty Images)

ભારતીય સ્પિનની તાકાતનો વ્યૂહાત્મક રીતે ઉપયોગ કરી વિદેશી ધરતી ઉપર ટીમને પહેલો વિજય અપાવનારા ભૂતપૂર્વ સુકાની અજિત વાડેકરનું બુધવારે, 15 ઓગસ્ટે મુંબઈમાં અવસાન થયું હતું. તેઓ 77 વર્ષના હતા. 1971માં વાડેકરના સુકાનીપદે ભારતે વેસ્ટ ઈન્ડિઝમાં પોર્ટ ઓફ સ્પેઈન ટેસ્ટ મેચમાં ગેરી સોબર્સ તથા ક્લાઈવ લોઈડ જેવા ધરખમ બેટ્સમેનને સ્પિનની જાળમાં સપડાવી ટેસ્ટ મેચમાં વિજય હાંસલ કર્યો હતો. એ જ વર્ષે ઈંગ્લેન્ડમાં પણ વાડેકરના સુકાનીપદે ભારતીય ટીમે પહેલીવાર ટેસ્ટ મેચમાં, લંડનમાં ઓવલ ખાતે વિજય હાંસલ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી વાડેકરને અંજલિ આપતાં જણાવ્યું હતું કે, અજિત વાડેકર એક મહાન બેટ્સમેન અને અદભૂત સુકાની હતો, તો એક સફળ ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર પણ હતો. તેની આગેવાની હેઠળ જ ભારતે ઐતિહાસિક અને યાદગાર વિજય મેળવ્યા હતા.

છેલ્લા થોડા સમયથી બિમારીના કારણે સારવાર લઈ રહેલા વાડેકરને બુધવારે મુંબઈમાં જસલોક હોસ્પિટલમાં લઈ જવાયા ત્યારે તેઓના અંતિમ શ્વાસ પુરા થઈ ચૂક્યા હોવાનું હોસ્પિટલે જણાવ્યું હતું.

વાડેકરે ભારતના સૌથી વધુ પંકાયેલી સ્પિનર ચોકડી – ભગવત ચંદ્રશેખર, બિશનસિંઘ બેદી, એરાપલ્લી પ્રસન્ના અને એસ. વેંકટરાઘવનનો સૌથી વધુ અસરકારક રીતે ઉપયોગ કર્યો હતો. તો વેસ્ટ ઈન્ડિઝમાં 1971ના એ યાદગાર વિજય વખતે વાડેકરે ડાબોડી સ્પિનર સલીમ દુરાનીનો ઉપયોગ કરી ગેરી સોબર્સ અને ક્લાઈવ લોઈડની મુખ્ય વિકેટો ખેરવી હતી, જેના પગલે ભારતે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. 1971ના એ પ્રવાસમાં ભારતીય સ્પિનર્સે કુલ 48 વિકેટ ખેરવી હતી. તો એ જ વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસમાં વાડેકરે ચંદ્રશેખરને બોલિંગ આપી અને સ્ટ્રેટેજિક રીતે બેટ્સમેનને ક્લોઝ ઈન ફિલ્ડર્સથી ઘેરી લઈ, ખાસ કરીને એ સમયે જાણીતા ફોરવર્ડ શોર્ટ લેગના ફિલ્ડર અને શાર્પ કેચ ઝડપવામાં નિષ્ણાત ગણાતા એકનાથ સોલકરનો કુનેહપૂર્વક ઉપયોગ કરી ઓવલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ચોંકાવી દઈ જબરજસ્ત રીતે હરાવ્યું હતું.

વાડેકર ભારત તરફથી 37 ટેસ્ટ મેચ રમ્યો હતો. આઠ વર્ષની તેની કારકિર્દીમાં તેણે એક સદી અને 14 અડધી સદી કરી હતી. તે ફક્ત બે વન-ડે રમ્યો હતો, કારણ કે એ સમયે ભારત બહુ ઓછી વન-ડે રમતું હતું. જો કે, એ વાત રસપ્રદ બની રહે છે કે, તે ભારતની વન-ડે ટીમનો પ્રથમ સુકાની હતો. એ બે મેચમાં પણ તેણે એક અડદી સદી કરી હતી. તેણે ભારતીય ટીમના મેનેજર તેમજ સીલેક્ટર તરીકે પણ સેવાઓ આપી હતી.