બૅન્કોનું અબજો રૂપિયાનું કરજ ચૂકવ્યા વિના બ્રિટન ભાગી ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાને ભારત પાછા લાવવાનો માર્ગ મોકળો થયો છે. તેમને ટૂંક સમયમાં ભારત મોકલાય એવી આશા રખાય છે. બ્રિટનના ગૃહ મંત્રાલયે વિજય માલ્યાનું પ્રત્યર્પણ કરવા મંજૂરી આપી દીધી હતી.
આમ છતાં, કિંગફિશરના માલિક વિજય માલ્યા બ્રિટિશ ગૃહ મંત્રાલયના આ નિર્ણયને બ્રિટિશ હાઇ કૉર્ટમાં આગામી 14 દિવસમાં પડકારી શકે છે. અગાઉ, લંડનની વેસ્ટમિન્સ્ટર કૉર્ટે ભાગેડુ વિજય માલ્યા ભારતને સોંપવાની પરવાનગી આપી દીધી હતી. હવે બ્રિટિશ ગૃહ મંત્રાલયે પણ આ નિર્ણયને બહાલી આપી છે. વિજય માલ્યા ભારતની અનેક બૅન્ક પાસેથી કુલ રૂપિયા 9,400 કરોડનું કરજ લઇને વિદેશ નાસી ગયા હોવાનો આક્ષેપ છે.
વિજય માલ્યાએ જુદી જુદી બૅંકોને અંદાજે રૂ. 9,400 કરોડ ચુકવવાના બાકી છે. વિજય માલ્યા વિરુદ્ધ 17 બૅકના ક્ધર્સોશિયમે કૉર્ટમાં અરજી દાખલ કરી હતી. માલ્યા તરફથી દલીલ કરવામાં આવી હતી કે ઇંધણના ભાવમાં વધારો, વધુ ટૅક્સ અને વિમાનનાં ખરાબ ઍન્જિનોને કારણે કિંગફિશર ઍરલાઈન્સે રૂ. 6,107 કરોડનું નુકસાન વેઠવું પડ્યું હતું.
થોડા સમય પહેલાં ભાગેડુ વિજય માલ્યાએ કહ્યું હતું કે તેમના ગ્રુપની રૂ. 13000 કરોડની સંપત્તિ ટાંચમાં લઈ લેવામાં આવી છે. જ્યારે બૅંકોનો દાવો માત્ર રૂ. 9000 કરોડ માટે જ છે. રોજ સવારે હું ઊઠું છું તો જાણવા મળે છે કે મારી વધુ એક મિલકત ટાંચમાં લેવામાં આવી છે. અંતે ન્યાય ક્યાં છે અને આવું ક્યાં સુધી ચાલતું રહેશે.
માલ્યાનું કહેવું છે કે બૅંકો જનતાના રૂપિયા કૉર્ટમાં ખર્ચી રહી છે. ભારતીય બૅંકોએ ઇંગ્લેન્ડમાં તેમના વકીલોને મારી વિરુદ્ધ કેસ કરવાનું લાયસન્સ આપી દીધું છે અને જનતાનાં રૂપિયા ખુલ્લંખુલ્લાં કૉર્ટ કેસ પાછળ ખર્ચવામાં આવી રહ્યા છે. લંડનની વૅસ્ટ મિનિસ્ટર અદાલતે ડિસેમ્બરમાં વિજય માલ્યાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી હતી.