વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હું મહામિલાવટી ગઠબંધનને ખુલ્લો પડકાર આપુ છું કે મારી વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરવા કરતા હું જે પડકાર ફેંકુ છું તેને સ્વીકારીને મારી સાથે ચર્ચા કરવા તૈયાર થઇ જાવ.
મોદીએ બાદમાં કહ્યું હતું કે હું વિપક્ષને પડકાર ફેંકુ છું કે તેઓ મારી પાસે વિદેશમાં બેંકોમાં નાણા હોવાનું પુરવાર કરી બતાવે. મોદીએ કહ્યું હતું કે મહા મિલાવટને મારી ઓપન ચેલેંજ છે, તેઓ એ પુરવાર કરી બતાવે કે મારી પાસે વિદેશમાં કોઇ પણ બેનામી સંપત્તી છે. કે પછી વિદેશી બેંકોમાં નાણા રાખ્યા હોય. મે ક્યારેય ધનવાન બનવાના સપના નથી જોયા કે હું ક્યારેય ધનવાન નથી બનવા માગતો.
મોદીએ ઉત્તર પ્રદેશમાં એક રેલીને સંબોધી હતી જે દરમિયાન તેમણે પુલવામા હુમલો અને તે બાદ ભારતીય એરફોર્સે જે એરસ્ટ્રાઇક કરી તેને લઇને પણ ઉલ્લેખ કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે હાલ મુશ્કેલી એ છે કે આતંકવાદ વિરુદ્ધની અમારી લડાઇને કોંગ્રેસે નબળી પાડી દીધી છે. કોંગ્રેસે પોતાના કાર્યકાળમાં હિંદુ આતંકવાદની થીયરી આપી દીધી, આ થીયરી આતંકવાદને પ્રોત્સાહન આપે છે. આ મહામિલાવટીયાઓએ સત્તા માટે દેશને લૂટયો છે જનતાના પૈસાની લૂટ ચલાવી છે.
મોદીએ પોતાની જાતીનો પણ ઉલ્લેખ કર્યો હતો, તેમણે દાવો કર્યો હતો કે વિપક્ષ મને પૂછે છે કે મારી જાતી કઇ છે. મે અનેક ચૂંટણીઓ લડી છે જોકે ક્યારેય પોતાની જાતીનો સહારો નથી લીધો. હું ભલે ઓબીસી જાતીમાં જન્મ્યો હોય પણ મારુ લક્ષ્ય પુરા દેશને દુનિયામાં આગળ લઇ જવાનું છે.
મોદીએ બાદમાં સપા અને બસપા પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ મહામિલાવટીયા જ્યારે સત્તામાં હતા ત્યારે ઉત્તર પ્રદેશમાં ગૂંડારાજ હતું પણ તેમની સામે કોઇ જ કાર્યવાહી ન કરી અને હવે તેઓ આતંકવાદ સામે લડવાની વાતો કરે, જે લોકો ગૂંડા તત્વો સામે ન લડી શકે તેઓ આતંકીઓ સામે કેમ લડશે?