જાન્યુઆરીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં 3.5 અબજ ડોલર એટલે કે અંદાજે રૂ.22,000 કરોડનું રોકાણ કર્યું હતું. ભારતીય કંપનીઓની કામગીરી સારી રહેવાની આશા પાછળ એફપીઆઈ લેવાલ રહી હતી. જોકે, બજેટમાં નવા વેરા માળખાની જાહેરાત કરવામાં આવતા ટૂંકા ગાળાના રોકાણ સેન્ટીમેન્ટ પર વિપરીત અસર થઈ શકે છે એમ નિષ્ણાતોનું કહેવું હતું.
મોર્નિંગસ્ટાર ઇન્ડિયાના સિનિયર એનાલિસ્ટ હિમાશું શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, એફપીઆઇની ખરીદી ધીમી થવાની સંભાવના છે.ડિપોઝિટરીઝના ડેટા અનુસાર એફપીઆઈએ ઇક્વિટીમાં રૂ.13,781 કરોડ અને ડેટ્માં રૂ.8,473 કરોડનું રોકાણ મળીને કુલ રૂ.22,254 કરોડનું રોકાણ કર્યું હતું. જેની સામે ડિસેમ્બર મહિનામાં આ વર્ગનો રૂ.3,500 કરોડનો આઉટફ્લો જોવાયો હતો. જાન્યુઆરી મહિનામાં સામાન્ય રીતે રોકાણ પોઝિટીવ અને વધુ જોવા મળે છે કેમકે તેઓનું નવું વર્ષ શરૂ થાય છે. વધુમાં અન્ય એક કારણ 2018-19માં કંપનીઓની કામગીરીમાં સુધારો થવાની અપેક્ષા છે. આથી ભવિષ્યમાં સારું વળતર મળવાની આશાએ રોકાણ ઊંચુ રહ્યું હતું.
આ ઉપરાંત વૈશ્વિક શેરબજારમાં તેજીનું વાતાવરણ, આર્થિક આંકડામાં સુધારાના સંકેત, આઇએમએફ દ્વારા ભારતીય ઇકોનોમીનો ગ્રોથ વધુ ઝડપી બનવાની આગાહી જેવા કારણોએ રોકાણ આકર્ષવામાં ભાગ ભજવ્યો હતો એમ વધુમાં તેમણે ઉમેર્યું હતું. વર્ષના પ્રારંભમાં તેઓએ નોંધપાત્ર રોકાણ કર્યું છે પણ બજેટની જોગવાઈ અને વેરા જાહેરાતને કારણે તેઓની આગામી મહિનામાં ખરીદી ધીમી થવાની શક્યતા ઓનાલિસ્ટો વ્યકત કરી રહ્યા છે. જોકે, આ અસર ટૂંકા ગાળાની રહેશે એમ વધુમાં તેઓનું માનવું છે.
ટૂંકા ગાળાના પડકારો છતાં ભારત લાંબા ગાળા માટે રોકાણનું મહત્ત્વનું સ્થળ જળવાઈ રહેશે. અન્ય દેશોની સરખામણીએ ભારતમાં લાંબા ગાળાનો રિસ્ક રિવોર્ડ રેશિયો વધુ સારો રહ્યો છે.
બજેટમાં નાણાં પ્રધાન અરુણ જેટલીએ 10 ટકાનો લાંબા ગાળાનો કેપિટલ ગેઇન ટેક્સ લાદવાનો નિર્ણય લીધો હતો. ભારતમાં 2017માં એફપીઆઈએ ઇક્વિટી અને ડેટ મળીને કુલ રૂ.2 લાખ કરોડનું રોકાણ કર્યું હતું.
ક્વોન્ટમ એમએફના ફંડ મેનેજર પંકજ પાઠકનું માનવું છે કે, 2018ના વર્ષમાં એપપીઆઈની ખરીદી ગત્ વર્ષના સમાન સ્તરે રહે તેવી સંભાવના ઓછી જણાય છે. વિકસીત દેશોમાં વ્યાજદરમાં વધારો થઈ રહ્યો છે.