બોલિવૂડમાં પોતાની ૧૪ વર્ષની સફર દરમિયાન વિદ્યા બાલને વિવિધ પ્રકારનાં પાત્ર ભજવ્યાં છે, જેમાં તે ક્યારેક હિટ રહી તો ક્યારેક ફ્લોપ. તેણે ‘પરિણીતા’ના પાત્રથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા તો ‘ડર્ટી પિક્ચર’માં પણ લોકોએ તેને પસંદ કરી. આ અભિનેત્રીએ બોલિવૂડ હીરોઇનોની બનેલી છબીને વારંવાર તોડી અને વિવિધ પ્રકારનાં પાત્ર ભજવ્યાં છે. તેણે પોતાના લુક્સને લઇ ક્યારેય પણ કોઇની પરવા કરી નથી. આ સફર દરમિયાન તેને ઘણી લડાઇઓ લડવી પડી. તેણે લોકોની પરફેક્ટ ફિગરની અપેક્ષાઓને પણ નકારી અને પોતાની એક વિશિષ્ટ સ્ટાઇલ બનાવી. વિદ્યાએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે બાળપણમાં તેને હોર્મોન સંબંધિત સમસ્યા રહી હતી. આ કારણે તેને ઘણી વાર પોતાની જાતને ભૂખી મારવી પડતી હતી. લોકો તેને એવું કહેતા કે તારો ચહેરો આટલો સુંદર છે, થોડું વજન શા માટે ઘટાડતી નથી? તેથી હું ખુદને ભૂખી રાખતી હતી. કેમ કે જો હું મોનિટર પર જોતી તો વિચારવા લાગતી કે શું હું જાડી દેખાઉ છું? મારા શરીરને સ્વીકારવા પણ મારે ખૂબ જ મહેનત કરવી પડી. લોકો મને કહેતા કે હું કસરત કેમ કરતી નથી? ત્યારે હું ખૂબ જ ગુસ્સે થતી, કેમ કે ફક્ત હું જ જાણતી હતી કે હું કેટલી હાર્ડ કસરત કરું છું.