ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા ઉઠાવાતા મુદ્દાઓના ભાષણના વિડીયો વાયરલ થવા મામલે નીતિન પટેલે ગૃહમાં ગંભીર આક્ષેપ કર્યો છે. નાયબ મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો કે, ધારાસભ્યો દ્વારા થઈ રહેલા આક્ષેપોનો વિડિયો વાયરલ કરીને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ધમકાવી બ્લેકમેલ કરવામાં છે. આ આક્ષેપ બાદ વિધાનસભા અધ્યક્ષ ડૉ.રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભાની કાર્યવાહીનું રેકોર્ડિંગ ન કરવા માટેની કડક સૂચના આપી હતી. જેની સામે કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત વિધાનસભામાં આજે શિક્ષણ વિભાગની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે આદિવાસી વિસ્તારમાં મધ્યાહન ભોજન યોજનામાં ગોલમાલ ચાલતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેનો ભાજપના ધારાસભ્ય નરેશ પટેલે વિરોધ કરીને અધ્યક્ષને જાણ કરી હતી કે, ધારાસભ્યો ગૃહમાં બોલે છે તેનો વિડીયો બહાર ફરતો થાય છે. આ ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરતા ઉગ્ર શબ્દોમાં જણાવ્યું હતું કે, ધારાસભ્ય અહીં ભાષણ દરમિયાન આક્ષેપો કરે છે, જેનો વિડીયો બહાર ફરતો થાય છે અને તેના આધારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ધમકાવીને બ્લેકમેલ કરવામાં આવે છે.