ગુજરાત વિધાનસભામાં આજે ખેડૂતોના પ્રશ્ને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય આક્ષેપબાજીઓ થઈ હતી. રાજકીય આક્ષેપબાજીને પગલે મામલો બિચકતા કોંગ્રેસના સભ્યો વેલમાં ધસી આવ્યા હતા. જય જવાન જય કિશાનના નારા સાથે ગૃહમાં હંગામો મચાવતા અધ્યક્ષે કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરતા સાર્જન્ટોએ વેલમા સૂઈ ગયેલા કોંગ્રેસના ધારાસભ્યોને ટીંગાટોળી કરીને બહાર કાઢ્યા હતા. ઇમરાન ખેડાવાલા, પ્રતાપ દુધાત અંબરીશ ડેરને ટીંગાટોળી કરી લઈ જવાયા હતા અને અધ્યક્ષે આજના દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. જ્યારે હર્ષદ રિબડીયા એ જય જવાન જય કિસાનના નારા લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.ગુજરાત વિધાનસભામાં આજે કૃષિ વિભાગની માંગણીઓ પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસના સભ્ય વિરજી ઠુમ્મરે ખેડૂતોના પ્રશ્નો ભાજપ સરકાર સામે રાજકીય અવલોકનનો કરી આક્ષેપબાજીઓ કરી હતી, ત્યારબાદ કૃષિમંત્રી આર.સી.ફળદુ ચર્ચાનો જવાબ આપી રહ્યા ત્યારે તેમણે તેમના પ્રવચન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરનું નામ લેતા વિરજી ઠુમ્મર પોતાની બેઠક પરથી ઊભા થઈ ગયા હતા અને વિરોધ શરૂ કર્યો હતો. જેની સામે અધ્યક્ષે વિરજી ઠુમ્મર ને બેસી જવા માટેની વારંવાર ચેતવણી આપવા છતાં ઠુમ્મર ન બેસતા અકળાઈ ગયેલા અધ્યક્ષે ઠુમ્મરના ગૃહમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.