લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણીપંચની કોશિશ રહી છે કે દરેક મતક્ષેત્રમાં પ્રામાણિકતાપૂર્વક મતદાન યોજાય, પરંતુ ઘણી વાર ચૂંટણીમાં કાળાં નાણાંના બેફામ ઉપયોગના સમાચાર આવે છે. તામિલનાડુની વેલ્લોર લોકસભા બેઠક પર કંઇક આવું જ થયું છે. આ મતક્ષેત્રમાં જંગી જથ્થામાં કેશ મળી આવતાં હવે આ બેઠકની ચૂંટણી રદ થઇ શકે છે. ચૂંટણીપંચે વેલ્લોર લોકસભા બેઠક માટેની ચૂંટણી રદ કરવા રાષ્ટ્રપતિને ભલામણ કરી દીધી છે.
લોકસભા ચૂંટણી માટે જાહેરનામું રાષ્ટ્રપતિ ઇશ્યૂ કરતા હોય છે અને તેથી ચૂંટણી રદ કરવાની સત્તા પણ તેમના જ અધિકાર ક્ષેત્રમાં આવે છે. વેલ્લોર સીટ પર ૧૮ એપ્રિલે રાજ્યની અન્ય બેઠકોની ચૂંટણી સાથે મતદાન યોજાનાર છે. ઇન્કમટેક્સ વિભાગે વેલ્લોર જિલ્લામાં ડીએમકેના એક અધિકારીના સિમેન્ટના ગોડાઉનમાંથી રૂ.૧૧.પ૩ કરોડ રોકડા જપ્ત કર્યા હતા અને આ ઘટનાના પગલે ચૂંટણીપંચે વેલ્લોરની ચૂંટણી રદ કરવા માટે રાષ્ટ્રપતિને ભલામણ કરી છે.
ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ ડીએમકેના એક અધિકારીના સિમેન્ટ ગોડાઉનમાંથી કાર્ટન્સ અને કોથળામાં ચલણી નોટોનાં બંડલો જંગી જથ્થામાં જપ્ત કર્યાં હતાં. ડીએમકેના અધિકારી પક્ષના ટ્રેઝરર દુરુઇ મુરુગનના નિકટના સાથી હોવાનું જણાવાય છે. રોકડ રકમ રાખવાનો આ કરોડો રૂપિયાનો ખેલ છે અને તેથી ચૂંટણીપંચે આ ઘટના સાથે કડક હાથે કામ લીધું છે. તામિલનાડુના મુખ્ય ચૂંટણી અધિકારી સત્યવ્રત શાહુએ જણાવ્યું હતું કે હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને તે પૂરું થયા બાદ ચૂંટણીપંચને રિપોર્ટ સુપરત કરાશે અને ત્યારબાદ જ નિર્ણય લેવાશે. આ બેઠક માટે ર૩ ઉમેદવારો ચૂંટણીજંગમાં છે.