વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન વચ્ચે શાંઘાઈ સમિટમાં કોઈ મુલાકાત થઈ નથી. બંને નેતા બે દિવસની શાંઘાઈ સમિટમાં સામેલ થવા કિર્ગિસ્તાનના પાટનગર બિશ્કેક ગયા છે. શુક્રવારે સમિટનો છેલ્લો દિવસ છે. સમિટ માટે જતા પહેલાં ઈમરાન ખાને કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનના સંબંધો હાલ ખૂબ નિમ્ન સ્તરે છે. આશા છે કે, મોદી કાશ્મીર સહિત દરેક મુદ્દાનો ઉકેલ લાવશે.
પહેલાં દિવસે કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિએ એસસીઓના નેતાઓ માટે અનૌપચારિક ડિનર રાખ્યું હતું. વડાપ્રધાન મોદી અને ઈમરાન ખાન પણ તેમાં સામેલ થયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દરમિયાન મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન તરફ નજર પણ નહતી કરી. ભારત પહેલાં પણ કહી ચૂક્યું છે કે, એસસીઓ સમિટ દરમિયાન મોદી અને ઈમરાન ખાનની બેઠકનો કોઈ કાર્યક્રમ નથી. ઈમરાન પહેલાં પણ મોદીને પત્ર લખીને વાતચીત કરવાની માંગણી કરી ચૂક્યા છે. મોદીએ ગયા વર્ષે ચીનમાં થયેલી સમિટ દરમિયાન તે સમયના પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન સાથે હાથ મીલાવ્યો હતો.
ઈમરાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, હાલ ભારત અને પાકિસ્તાનના સંબંધો ખૂબ નીચલા સ્તર પર છે. આશા છે કે, વડાપ્રધાન મોદી લોકસભા ચૂંટણીમાં મળેલા બહુમતનો ઉપયોગ કરીને કાશ્મીર સહિત દરેક મુદ્દાનો ઉકેલ લાવશે. શાંઘાઈ સમિટ અમારા માટે ભારત સહિત અન્ય દેશો સાથે સંબંધ સુધારવાનો એક સારો મોકો છે. પાકિસ્તાન પાડોશી દેશો સાથે શાંતિપૂર્ણ સંબંધો માટે કોઈ પણ પ્રકારની મધ્યસ્થતા કરવા માટે તૈયાર રહ્યું છે.
ભારત-પાક વચ્ચે થયેલા ત્રણ યુદ્ધથી ઘણું નુકસાન થયું છે અને આજે બંને દેશો ગરીબી સામે લડી રહ્યા છે.વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની બેઠકમાં ત્રાસવાદ સામે લડાઈનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, ભારતને આશા છે કે, પાકિસ્તાન ત્રાસવાદ મુક્ત વાતાવરણ ઉભુ કરવા માટે ચોક્કસ પગલાં લેશે જેથી બંને દેશો વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ શકે. પુલવામા હુમલા પછી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. ભારત પહેલાં જ કહી ચુક્યું છે કે, ત્રાસવાદ અને વાતચીત સાથે સાથે નહીં થઈ શકે.