શ્રીલંકાના લેજન્ડરી ક્રિકેટર સનથ જયસૂર્યા ઉપર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલના એન્ટી કરપ્શન યુનિટે બે વર્ષનો પ્રતિબંધ મુક્યો છે. જયસૂર્યાએ એન્ટી કરપ્શન યુનિટની તપાસમાં સહકાર નહીં આપતાં તે દોષીત ઠર્યો હતો. આઇસીસીનું એન્ટી કરપ્શન યુનિટ હાલમાં શ્રીલંકામાં ઓપરેશન ક્લિનઅપ ચલાવી રહ્યું છે અને આ અંગેની તપાસ માટે તેના અધિકારીઓ જયસૂર્યાને મળ્યા હતા. તેણે પોતાના મોબાઈલની તેમજ સીમકાર્ડની વિગતો આઇસીસીના એન્ટી કરપ્શન યુનિટને આપી નહોતી.
વર્ષ ૨૦૦૦માં મેચફિક્સિંગ કૌભાંડ પછી આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ દિગ્ગજ ખેલાડી સામે પહેલી વખત એન્ટી કરપ્શન યુનિટે આટલી ગંભીર કાર્યવાહી કરી છે. શ્રીલંકાના વર્લ્ડકપ વિજેતા ક્રિકેટર ઉપર ગયા વર્ષે ઓક્ટોબરમાં આઇસીસીએ આરોપ મૂક્યો હતો કે, તે તપાસમાં સહકાર આપતો નથી. જયસૂર્યા તપાસમાં સહકાર નહીં આપવાની સાથે સાથે તપાસમાં વિધ્ન/વિલંબ કરવાનો અને/અથવા પુરાવા નષ્ટ કરવા કે તેની સાથે ચેડાં કરવા તેમજ વિગતો છુપાવવા બદલ પણ દોષીત ઠર્યો હતો.