શ્રીલંકામાં ઇસ્ટર સન્ડે હુમલા બાદ કોમવાદી વાતાવરણ વધી રહ્યું છે, અહીંના ચિલોવમાં મસ્જિદો, મુસ્લિમ વિસ્તારોમાં આવેલી દુકાનો અને મકાનો પર ભારે પથ્થમારો થયો હતો. આ હિંસાની શરૃઆત ફેસબુક પોસ્ટથી થઇ હતી. હિંસાની અસર અન્ય વિસ્તારમાં ન ફેલાય માટે મોટા પ્રમાણમાં પોલીસ ખડકી દેવામાં આવી હતી. જ્યારે હિંસાગ્રસ્ત વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવાયું છે. જે વિસ્તારમાં હિંસા થઇ ત્યાં મોટા ભાગના ખ્રિસ્તી વસે છે જ્યારે અહીંના એક ૩૮ વર્ષીય મુસ્લિમ યુવકે વાંધાજનક ફેસબુક પોસ્ટ-કોમેંટ કરી હતી જેનો સ્ક્રિનશોટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગયો હતો, જેથી સ્થાનિકોમાં આ પોસ્ટને લઇને ભારે ગુસ્સો જોવા મળ્યો હતો જે બાદમાં હિંસામાં પરીવર્તીત થઇ જતા મુસ્લિમ વિસ્તારો પર હુમલા થવા લાગ્યા હતા.
જે યુવકે આ પોસ્ટ લખી હતી તેનું નામ અબ્દુલ હામીદ મોહમ્મદ છે અને તેની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે હિંસાને શાંત કરવા માટે મોટા પ્રમાણમાં પોલીસ જવાનોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે.અહીં ત્રણ મસ્જિદો પર ભારે પથ્થરમારો થયો હતો, જ્યારે કેટલીક દુકાનોમાં તોડફોડ થઇ હતી. ગત ઇસ્ટર સન્ડેની ઉજવણીએ શ્રીલંકાના કોલંબોમાં ખ્રિસ્તીઓને નિશાન બનાવી આઠ સિરીયલ બ્લાસ્ટ થયા હતા જેમાં ૨૫૦થી વધુ લોકો માર્યા ગયા હતા.શ્રીલંકાના એક મંત્રીએ આ હુમલાને ટાંકીને દાવો કર્યો હતો કે ઇસ્ટર સન્ડે હુમલો ન્યૂઝિલેન્ડમાં મસ્જિદમાં જે હત્યા કરવામાં આવી તેનો બદલો લેવા માટે કરાયો હતો.
બાદમાં આ ઇસ્ટર સન્ડે હુમલાની જવાબદારી આઇએસએ લીધી હતી. જોકે શ્રીલંકામાં ખ્રિસ્તીઓની વસતી વધુ હોવાથી અહીં મુસ્લિમ વસતી વાળા વિસ્તારોમાં હાલ ભયનો માહોલ છે અને આગામી દિવસોમાં હિંસાનું પ્રમાણ વધી શકે છે. હાલ મોટા પ્રમાણમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. એક ફેસબુક યુઝરે લખ્યું હતું કે અમને રડાવવું ભારે મુશ્કેલ છે, જેના જવાબમાં એક મુસ્લિમ યુવકે લખ્યું હતું કે વધુ ખુશ ન થા, એક દિવસ તુ પણ રડીશ. બાદમાં આ પોસ્ટ વાઇરલ થઇ જતા હિંસા ભડકી હતી, હાલ સ્થિતિ કાબુમાં કરી લેવામાં આવી હોવાનો પોલીસે દાવો કર્યો છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેનાએ જણાવ્યું કે જ્યાં સુધી તેઓ દેશમાંથી આતંકવાદને કચડી નહીં નાંખે અને ઈસ્ટર સન્ડેના રોજ થયેલા વિસ્ફોટો માટે જવાબદાર લોકોને કોર્ટ સમક્ષ ઉભા નહીં રાખે ત્યાં સુધી રાજીનામુ પણ નહીં આપે અને આરામથી બેસશે પણ નહીં. અમ્પારા જિલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજર રહેલા સિરિસેનાએ જણાવ્યું કે વિસ્ફોટો મામલે અધિકારીઓની લાપરવાહીનો રિપોર્ટ તેમને મળ્યો હતો અને ત્યાર બાદ તેમણે પોલીસ પ્રમુખને સસ્પેન્ડ કરી દીધેલા તથા રક્ષા મંત્રાલયના સચિવની બદલી કરી દીધી હતી. ગુપ્ત જાણકારી મળી ગઈ હોવા છતા હુમલો રોકવામાં અસફળ રહેલી સરકાર પ્રત્યે લોકોમાં રોષ વધી રહ્યો છે તે સંજોગોમાં સિરિસેનાએ પોતે જ્યાં સુધી આતંકવાદને કચડી નહીં નાખે ત્યાં સુધી ભાગશે નહીં, ડરશે નહીં અને રાજીનામુ પણ નહીં આપે તેમ કહ્યું છે.