સુપ્રીમ કોર્ટે ક્રિકેટર એસ. શ્રીસંત સામેનો આજીવન પ્રતિબંધ ઉઠાવી લેતાં ક્રિકેટરને રાહત થઈ છે. શુક્રવારે કોર્ટે શ્રીસંત પર લાગેલાે આજીવન પ્રતિબંધ રદ કરવાનો નિર્ણય કર્યો છે. કોર્ટે ક્રિકેટ બોર્ડને કહ્યું છે કે આજીવન પ્રતિબંધ વધારે પડતી આકરી સજા છે, બોર્ડે તેના માટે એ સિવાયની યોગ્ય સજા વિષે ત્રણ મહિનામાં નિર્ણય લેવાનો રહેશે.

શ્રીસંતે કોર્ટમાં એવી અરજી કરી હતી કે નીચલી કોર્ટે તેને સ્પોટ ફિક્સિંગ કેસમાં તો નિર્દોષ જાહેર કર્યો છે, જેથી હવે તેને કોઈ સજા જ થવી જોઈએ નહીં, પણ એ વિનંતી કોર્ટે નકારી કાઢી છે.
થોડા વર્ષ અગાઉ આઈપીએલમાં સ્પૉટ-ફિક્સિંગનો કિસ્સો જાહેર થયા પછી ભારતીય ક્રિકેટ બોર્ડે કેરળના આ ખેલાડી સામે આજીવન પ્રતિબંધ ફરમાવ્યો હતો.
કોર્ટના આદેશ પછી શ્રીસંતે મીડિયા સાથેની વાતચીતમાં નિર્ણય અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે મને જીવતદાન આપ્યું છે. તેનાથી મારૂં ગુમાવેલું સન્માન પરત મેળવવામાં મદદ થશે. મેં પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દીધું છે અને મને આશા છે કે હું ટૂંક સમયમાં જ ક્રિકેટ રમીશ.