ભારતના લેજન્ડરી ક્રિકેટર સચિન તેંડુલકરનું સન્માન કરી આઇસીસીએ તેનો હોલ ઓફ ફૅમમાં સમાવેશ કર્યો છે. ગયા સપ્તાહે લંડનમાં યોજાયેલા એક સમારંભમાં તેંડુલકરની સાથે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એલન ડોનાલ્ડ અને ઓસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર કેથરિન ફિટ્ઝપેટ્રિકને પણ આ સન્માન અપાયું હતું.
તેંડુલકર આઇસીસી હોલ ઓફ ફૅમમાં સ્થાન મેળવનારો છઠ્ઠો ભારતીય ખેલાડી છે. તેની પહેલા બિશન સિંઘ બેદી, સુનિલ ગાવસ્કર, કપિલ દેવ, અનિલ કુમ્બલે તથા રાહુલ દ્રવિડ આ સન્માન મેળવી ચૂક્યા છે. તેંડુલકરને આ સન્માન આઇસીસીના સીનિયર હોદ્દેદાર મનુ સાહનીના હસ્તે એનાયત કરાયું હતુ. સમારંભમાં સચિનની પત્ની અંજલી અને પુત્રી સારા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આઇસીસીના હોલ ઓફ ફૅમમાં ૯૦ ધુરંધર ક્રિકેટરોને સ્થાન મળી ચૂક્યું છે. સૌથી વધુ ૨૮ ખેલાડીઓ ઈંગ્લેન્ડના છે. એ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ૨૬, વેસ્ટ ઈન્ડિઝના ૧૮, ભારતના ૬, પાકિસ્તાનના ૫, ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાના ૩-૩ તેમજ શ્રીલંકાના ૧ ક્રિકેટરને આ સન્માન મળ્યું છે.
સન્માન વિષે પ્રતિભાવ આપતાં સચિને કહ્યું હતું કે, આઇસીસી હોલ ઓફ ફૅમમાં સ્થાન મેળવવું અત્યંત ગૌરવમય બાબત છે. આ પળે હું મારી સાથે રહેલા તમામનો આભાર માનુ છું. મારા માતા-પિતા, ભાઈ અજીત, પત્ની અંજલી મારા માટે મજબૂત આધારસ્તંભ રહ્યા છે. હું ભાગ્યશાળી હતો કે મને કારકિર્દી આરંભે જ માર્ગદર્શક અને મેન્ટર તરીકે રમાકાંત આચરેકર જેવા કોચ મળ્યા હતા. હું મારા તમામ કેપ્ટન, સાથી ખેલાડીઓ તેમજ બીસીસીઆઇ અને એમસીએના પદાધિકારીઓનો આભારી છું, જેમણે વર્ષો સુધી મને સમર્થન આપ્યું અને રમતની મજા લાંબો સમય માણવાની મને તક આપી હતી.