સબરીમાલા મંદિરમાં 50 વર્ષથી નીચેની વયની બે યુવતીઓના પ્રવેશના ગંભીર પ્રત્યાઘાતો પડયા હોય તેમ આજે બંધના એલાન વચ્ચે હિંસા-તોફાનો ફાટી નીકળ્યા હતા. 60થી વધુ બસોને નિશાન બનાવવામાં આવતા રાજયભરમાં બસ સેવા અટકાવી દેવામાં આવી છે.
હિંસક ઘટનામાં એક મહિલાનું મોત નિપજયું હતું.સબરીમાલા મંદિરમાં બે મહિલાઓએ પ્રવેશ કરીને પરંપરા તોડતા જુદા-જુદા સંગઠનો દ્વારા આજે સવારથી સાંજ સુધી 12 કલાકની હડતાળનું એલાન આપ્યુ હતું. જેને ભાજપ-કોંગ્રેસ સહીતના રાજકીય પક્ષોએ પણ સમર્થન આપ્યુ છે. ‘કાળો દિવસ’ મનાવવાની ઘોષણા કરવામાં આવી છે.
સબરીમાલા એકશન કાઉન્સીલ દ્વારા આ બંધ-હડતાળનું રાજયવ્યાપી એલાન કરવામાં આવ્યું છે. સંઘનું પીઠબળ ધરાવતા આ સંગઠન દ્વારા મંદિરમાં પ્રવેશની છુટ્ટ આપતા સુપ્રીમ કોર્ટના આદેશનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.બે મહિલાઓના પ્રવેશની કેરળમાં ઠેકઠેકાણે તોફાનો-હિંસા છે. રાજયની60થી વધુ બસોને ટોળાએ નિશાન બનાવી હતી એટલે રાજયભરમાં સરકારી બસ સેવા અટકાવી દેવામાં આવી હતી. સંખ્યાબંધ રાજયોએ ચકકાજામ સર્જીને ટ્રાફીક રોકવામાં આવ્યો હતો. દુકાનો બંધ કરાવવામાં આવી હતી.
ઠેકઠેકાણે તોફાનો-હિંસાને ધ્યાને રાખીને સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. અનેક સ્થળોએ ટાવરો સળગાવીને આગજની કરવામાં આવી હતી. પંડાલમમાં માર્કસવાદી સાથે ભાજપ કાર્યકર્તાઓ વચ્ચેના ઘર્ષણમાં ઘાયલ થયેલી સબરીમાલા સમીતીના 55 વર્ષીય કાર્યકર્તાનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.