લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોડી સાંજે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય ખાતે સંબોધનમાં કાર્યકર્તાઓ પ્રત્યે આભાર વ્યકત કરીને કહ્યું કે વિશ્વએ ભારતની લોકશાહીની શક્તિ ઓળખવી પડશે. તેમણે પોતાના સંબોધનની શરુઆત ભારત માતાકી જય….ના નારા સાથે કરી મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે, ભારતની જનતાએ આ ફકીરની ઝોળી ભરી દીધી છે. તેમણે આ વિજયને મધ્યમ વર્ગનો વિજય ગણાવતા, કરદાતાઓને કર ચૂકવવા અને જીત માટે આભાર માન્યો હતો. તેમણે મહાભારતના પ્રસંગનું વર્ણન કરતા કહ્યું કે, શ્રીકૃષ્ણ હસ્તિનાપુર માટે લડ્યા હતા જ્યારે ભારતની જનતા દેશ માટે લડી છે.

તેમણે આ વખતના લોકસભાની ચૂંટણીના પરિણામોને લોકતંત્રમાં સૌથી મોટી ઘટના ગણાવી હતી. મોદીએ ચૂંટણી પ્રચાર અને મતદાન દરમિયાન થયેલ હિંસાના બનાવોમાં મોતને ભેટેલા 80થી વધુ ભાજપના કાર્યકર્તાઓ પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ભાજપના કાર્યકર્તાઓના આ બલિદાનને લોકશાહીમાં આગામી સમય માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. વડાપ્રધાને સંબોધનમાં પોતાની નીતિની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન કેન્દ્ર સરકાર રાજ્ય વિકાસનીતિ સાથે જોડાયેલી રહેશે. આ ઉપરાંત મોદીએ વિરોધ પક્ષો પર નિશાન સાધતા તેમના ‘સેક્યુરીઝમ’ મુદ્દાની આકરી ટીકા કરી હતી. મોદીના આ સંબોધન વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગૃહ પ્રધાન રાજનાથ સિંહ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.