સલમાન ખાન બૉક્સ ઑફિસનો જ સુલતાન નહીં પરંતુ હવે બૉલીવુડમાં કમાણીના કિસ્સામાં પણ ટોચ પર છે. ફોર્બ્સ તરફથી પ્રકાશિત 2018ના સૌથી વધુ અમીર ભારતીય સેલિબ્રિટીઝની યાદીમાં આ બાબતનો ખુલાસો થયો છે. 52 વર્ષના બોલીવુડ સ્ટારે આ વર્ષે 253.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ આ યાદીમાં સલમાન ખાન છેલ્લા સતત 3 વર્ષથી ટોચ પર છે. આ વર્ષે તેમના કમાણીમાં ટાઇગર જિંદા અને રેસ-3ના કલેક્શન્સની સાથે ટીવી અપીરન્સ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સનું પણ સંપૂર્ણ યોગદાન છે.

આ યાદીમાં બીજા ક્રમાંક પર ક્રિકેટર વિરાટ કોહલી છે. તેની આ વર્ષની કમાણી 228 કરોડ આસપાસ છે. તો ત્રીજા નંબર પર આ દિવસોમાં હિટ ફિલ્મ આપનાર અક્ષયકુમાર છે. તેની આ વર્ષની કમાણી 185 કરોડ રૂપિયા છે. ઉપરાંત છેલ્લા એક વર્ષમાં કોઈ ફિલ્મ ન આપનાર શાહરૂખ ખાન 13માં ક્રમ પર છે. તેની આ વર્ષની આવક 56 કરોડ જણાવાઇ છે, જે ગત વર્ષની સરખામણીએ 33 ટકા ઓછી છે.

આ સિવાય અભિનેત્રીઓની વાત કરીએ તો દીપિકા પાદુકોણ ટોચ પર છે, જો કે ઓવરઓલ યાદીમાં તે લગભગ 113 કરોડની કમાણી સાથે ચોથા ક્રમ પર છે. ઉલ્લેખનીય છે કે હોલીવુડમાં કામ કરવાના કારણે તેની સરખામણી ઘણીવાર પ્રિયંકા ચોપરા સાથે કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કમાણીમાં તે ભૂતપૂર્વ મિસ વર્લ્ડથી પણ ઘણી આગળ છે. યાદીમાં પ્રિયંકાની આ વર્ષની કમાણી 18 કરોડ છે અને તે યાદીમાં 49માં ક્રમ પર છે. આ ઉપરાંત આ યાદીમાં આલિયા ભટ્ટ, એશ્વર્યા રાય, સચિન તેંડુલકર જેવા સ્ટાર્સનો પણ સમાવેશ છે.