એલ્ગરના અણનમ ૨૪ રન સાથે સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને કેપ ટાઉન ખાતેની બીજી ટેસ્ટમાં ચોથા દિવસે સવારે જ નવ વિકેટે સજ્જડ પરાજય આપ્યો હતો. જીતવા માટેનાે ૪૧ રનનાે ટાર્ગેટ યજમાન સાઉથ આફ્રિકાએ માત્ર ૯.૫ ઓવરમાં જ એક વિકેટ ગુમાવી હાંસલ કર્યો હતો.
આ સાથે જ સાઉથ આફ્રિકાએ ત્રણ ટેસ્ટની શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. હવે શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ ૧૧મી જાન્યુઆરીને શુક્રવારથી જોહાનીસબર્ગમાં શરૂ થશે. અગાઉ સેન્ચુરિયનમાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને છ વિકેટે હરાવ્યું હતું.
સાઉથ આફ્રિકાનો કેપ્ટન ફાફ ડુપ્લેસીસ મેન ઓફ ધ મેચ બન્યો હતો. જોકે સ્લો ઓવર રેટ બદલ તેના પર એક ટેસ્ટનો પ્રતિબંધ મૂકાયો છે. તે પાકિસ્તાન સામેની શ્રેણીની આખરી ટેસ્ટ નહીં રમી શકે. ડુ પ્લેસીસે છેલ્લા 12 મહિનામાં આ બીજી વખત ઓવર રેટના નિયમનો ભંગ કર્યો હતો અને આ કારણે તેના પર એક ટેસ્ટનો પ્રતિબંધ મૂકાયો છે. જોકે સાઉથ આફ્રિકા શ્રેણી જીતી ચૂક્યું હોવાથી આ પ્રતિબંધથી યજમાનોને ખાસ ફરક નહીં પડે.