લોકસભા ચૂંટણીમાં ગાંધીજીની હત્યા કરનારા નાથુરામ ગોડસેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ભાજપના જ કેટલાક નેતાઓ પ્રજ્ઞા ઠાકુર, કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડે અને નલિન કટીલ સહિતના નેતાઓએ ગોડસે અંગે કરેલી ટિપ્પણી સામે ભાજપે હવે પોતાના હાથ અધ્ધર કરી દીધા છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે ભાજપના નેતાઓના ગોડસે અંગેના નિવેદનને પાર્ટી લાઈનની વિરુદ્ધ ગણાવ્યા છે. શાહના મતે ભાજપે નેતાઓના આ નિવેદનોની ગંભીર નોંધ લીધી છે અને આ નિવેદનો ભાજપની વિચારધારાથી અલગ છે.

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ગોડસેને દેશભક્ત ગણાવતું નિવેદન કર્યા બાદ વિવાદ વકર્યો હતો. અમિત શાહે ભાજપની શિસ્ત સમિતિને સાધ્વી ઠાકુર, હેગડે એન નલીન દ્વારા કરાયેલા નિવેદન બદલ કાર્યવાહી કરવા 10 દિવસમાં અહેવાલ સોંપવા જણાવ્યું છે.

શાહે વધુમાં કહ્યું કે, આ નિવેદનો તેમના વ્યક્તિગત છે અને પક્ષને તેનાથી કંઈ લેવાદેવા નથી. ‘નેતાઓએ તેમના નિવેદનો પરત ખેંચી લીધા છે અને તે બદલ માફી પણ માંગી છે. આવા નિવેદનો જાહેર જીવનમાં શિસ્તની વિરુદ્ધ અને પક્ષની વિચારધારા વિરુદ્ધ છે,’ તેમ શાહે ઉમેર્યું હતું.

નેતાઓએ કરેલા નિવેદનની પક્ષે ગંભીર નોંધ લીધી છે અને તેમને શિસ્ત સમિતિ સમક્ષ મોકલવામાં આવશે અને રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે તેમ શાહે જણાવ્યું હતું.

હેગડેએ ટ્વીટ કરીને ગોડસે વિશેની ચર્ચા રસપ્રદ હોવાનું જણાવ્યું હતું, બાદમાં તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું હતું. ભાજપના સાંસદ નલિન કટીલે એક ટ્વીટ કરીને ગોડસેની તુલના રાજીવ ગાંધી સાથે કરી હતી.