ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ અને ગાંધી પરિવારના નિકટના ગણાતા ટેક્નોક્રેટ સામ પિત્રોડાના નિવેદનને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરમજનક ગણાવીને વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસે પાકિસ્તાન નેશનલ ડેની ઉજવણી કરવાનું શરૂ કરી દીધું છે. પિત્રોડાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પુલવામા હુમલા બદલ સમગ્ર પાકિસ્તાન જવાબદાર નથી. તેમણે એર સ્ટ્રાઈક પર સવાલ કરતા જણાવ્યું હતું કે, ‘શું એર સ્ટ્રાઈક થઈ, જો થઈ હોય તો કેટલા લોકો મર્યા? મને જાણવાનો અધિકાર છે.’

પિત્રોડાના આ નિવેદન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સામે પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ તરફથી તેમના સૌથી વિશ્વસનીય સલાહકાર અને નિર્દેશકે પાકિસ્તાન નેશનલ ડેનું ઉદઘાટન કરી દીધું છે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી દેશના લશ્કર પર સવાલો ઊભા કરી રહી છે. કોંગ્રેસ રાજવી પરિવારના વફાદારે માની લીધું કે કોંગ્રેસ આતંકવાદી શક્તિઓને જવાબ નથી આપવા માગતી. આ ન્યૂ ઈન્ડિયા છે અને અમે આતંકવાદીઓને એ જ ભાષામાં જવાબ આપીશું જે તેમને સમજાય છે.’

વડાપ્રધાને સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવને પણ આડેહાથ લીધા હતા. તેમણે રામગોપાલ યાદવના નિવેદન અંગે જણાવ્યું હતું કે, ‘વિપક્ષ આતંકવાદનું સમર્થન કરવા અને લશ્કરી દળો પર સવાલ કરવા માટે ટેવાઈ ગયો છે. રામગોપાલ યાદવનું નિવેદન એ તમામનું અપમાન ગણાશે જેમણે કાશ્મીરની સુરક્ષા માટે બલિદાન આપ્યું છે.

રામગોપાલ યાદવે અગાઉ જણાવ્યું હતું કે, ‘અર્ધ લશ્કરી દળો સરકારથી દુ:ખી છે, વોટ માટે જવાનોને મારી નાખ્યા, જવાનોને સામાન્ય બસમાં મોકલવામાં આવ્યા, આ ષડયંત્ર છે. જ્યારે સરકાર બદલાશે ત્યારે આ ઘટનાની તપાસ થશે અને મોટા-મોટા માથાઓ ફસાશે.’

વડાપ્રધાને વિપક્ષ પર નિશાન તાકતા જણાવ્યું હતું કે, ‘વિપક્ષી દળો વારંવાર લશ્કરનું અપમાન કરે છે. હું આપણા દેશવાસીઓને અપીલ કરું છું કે તમે આ લોકોના નિવેદન પર સવાલ કરો. તેમને જણાવી દો કે સવા સો કરોડ દેશવાસીઓ તેમને માફ નહીં કરે. સમગ્ર ભારત આપણા લશ્કરની સાથે છે. જનતા ક્યારેય માફ નહીં કરે.’

સેમ પિત્રોડાનું કોંગ્રેસમાં મહત્વ એના પરથી સમજી શકાય છે કે તેઓ 2019ની ચૂંટણીમાં પ્રચાર ઢંઢેરો તૈયાર કરનાર કમિટીના સભ્ય છે. પિત્રોડાએ જણાવ્યું કે, ‘જો એરફોર્સે ત્રણસો લોકોને માર્યા છે તો બરોબર છે. શું તેના પુરાવા અને હકિકત પુરી પાડી શકાય છે?’ પિત્રોડાએ જણાવ્યું કે ભારતના લોકોને આ જાણવાનો અધિકાર છે કે એરફોર્સે પાકિસ્તાનમાં કેટલો વિનાશ વેર્યો અને તેનાથી શું ફરક પડ્યો.

પિત્રોડાએ પોતાના ઈન્ટરવ્યૂમાં પાકિસ્તાન સાથે વાતચીત કરવાની તરફેણ પણ કરી. તેમણે જણાવ્યું કે મુંબઈ હુમલા બાદ કોંગ્રેસની સરકારે આ પ્રકારે પ્રતિક્રિયા આપી નહતી. જો કોઈ દેશના આઠ લોકો આવીને હુમલો કરે છે તો સમગ્ર દેશને તેની સજા ના આપવી જોઈએ.