અમેરિકાના વિજ્ઞાનીઓએ પ્રથમવાર લેબોરેટરીમાં માનવ મગજનું લઘુ સ્વરૂપ વિકસાવવામાં સફળતા મળી છે. તેની વિશેષતા એ છે કે આ નાના કદનું મગજ તેની ખુદની રક્તવાહિનીઓ સાથે વિકસિત કરી શકાયું છે. વિજ્ઞાનીઓએ માત્ર એક મિલીમીટર લાંબા એવા આ મિનિ-બ્રેઈનને ઉંદરમાં બે સપ્તાહ માટે પ્રત્યારોપિત કર્યું હતું. જેમાં વિજ્ઞાનીઓએ જોયું કે તેમાં કેપિલરીઝનો વિકાસ થયો અને તે આંતરિક સ્તરોમાં ફેલાતી પણ જોવા મળી હતી. આ ઉપલબ્ધિથી સંશોધકોને ભવિષ્યમાં વધુ મોટા કદના મગજ વિકસાવવામાં મદદ કરી શકે છે. સંશોધકો આ માટે અભ્યાસ કરી રહ્યા છે કે આ રીતે વિકસાવાયેલા મોટા કદના અંગો કઈ રીતે કામ કરી શકશે. સંશોધકોને આશા છે કે કૃત્રિમ બ્રેઈન ટિસ્યુથી સ્ટ્રોકના દર્દીઓની સારવાર થઈ શકશે.
કેલિફોર્નિયા યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ આ પ્રકારનું સંશોધન કર્યુ છે. આ સ્ટડી માટે મોયામોયા રોગની ભાગ્યે જ જોવા મળતી સ્થિતિ પર કામ કરતા યુસી ડેવિસ ખાતેના વાસ્ક્યુલર ન્યુરોસર્જન ડો. બેન વોલડ્યુના સંશોધન પરથી પ્રેરણા મળી છે. જે દર્દીઓની મગજને લોહી પહોંચાડતી ધમનીઓમાં અવરોધ હોય તેમાં આ સિદ્ધિ ઉપયોગની નીવડી શકે છે. વિજ્ઞાનીઓ ઘણા સમયથી લેબમાં વિકસિત સ્ટેમ સેલ્સ દ્વારા અભ્યાસ કરતા રહ્યા છે.
આ પરંપરાગત લેબમાં વિકસિત સ્ટેમ સેલ્સ ઉપયોગી હોવા છતાં તેની અનેક મર્યાદા છે અને અંગો અને અન્ય માળખાની અટપટી રચનાને સમજવામાં ઓછી મદદ કરી શકે છે. માનવના તમામ અંગોમાં જેના વિશે અત્યાર સુધીમાં ઓછામાં ઓછું જાણી શકાયું છે એવું અંગ મગજ છે. એવામાં લેબમાં વિકસિત કરાયેલું મિનિ બ્રેઈન સંશોધકોને એ જાણવામાં મદદરૂપ થઈ શકશે કે મગજના વિવિધ ભાગો એકસાથે મળીને કઈ રીતે કામ કરે છે.
ડો. વોલડ્યુના પ્રમાણે, ‘આ સંશોધનનો મૂળ વિચાર એ છે કે એક દિવસ દર્દીના જ કોષોમાંથી એક આખું મગજ વિકસિત કરી શકાશે.’
તેમણે કહ્યું હતું, ‘આપણે સીટી સ્કેન દ્વારા મગજની ઈજા જોઈ શકીએ છીએ પણ આપણે કંઈ કરી શકતા નથી. આવા દર્દીઓમાં અનેક એવા હોય છે કે જેમને આવી ઈજાથી કાયમ માટે ચેતાતંત્ર સંબંધિત સમસ્યા આવી પડે છે, નબળાઈ જેવી સમસ્યા સર્જાઈ શકે છે કે લકવો થઈ શકે છે. જેમાં સર્જરી કે ફિઝિકલ થેરાપી પણ કામ લાગતી નથી. આ માટે પ્રયોગમાં સામેલ ઉંદર મગજના ઓપરેશન પછી હજુ પણ જીવિત છે અને તેમાં હજુ બે સપ્તાહ સુધી ટચુકડું માનવ મગજ મૂકી રાખવામાં આવશે એમ સંશોધકોએ જણાવ્યું હતું.