સાહિત્ય પરિષદ ખાતે રઈસ મણિયારે કવિતાનો આશ્વાદ કરાવ્યો

0
1050

ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી લેક્સિકનના સંયુક્ત ઉપક્રમે મરીઝનો જન્મ શતાબ્દી વંદના કાર્યક્રમ યોજાયો
બધો આધાર છે એના જતી વેળાના જોવા પર, મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ…”

22 ફેબ્રુઆરી બુધવારે સાહિત્ય પરિષદ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી લેક્સિકનના સંયુક્ત ઉપક્રમે મરીઝનો જન્મ શતાબ્દી વંદના કાર્યક્રમ યોજાયો. પ્રાસંગિક ઉદ્બોધન બાદ આમંત્રિત કવિઓનું પુસ્તકથી સન્માન કરવામાં આવ્યું. ત્યાર બાદ શરૂ થઈ મરીઝની જીવન ઝરમર. વ્યવસાયે ડૉક્ટર પણ મનથી સાહિત્યકાર તેવા રઈશ મણિયારે મરીઝના જીવન વિશે કેટલીક પરિચિત તો કેટલીક અપરિચિત વાતો કરી. વ્યક્તિ તરીકે મરીઝના જીવનમાં જે પ્રસંગો બન્યા તેના અનુભવો પરથી તેમણે કઈ ગઝલની રચના કરી તે વિષયે મણિયાર સાહેબે ઊંડાણપૂર્વક વાત કરી.

રઈશભાઈના મતે મરીઝ એક એવા ગઝલકાર હતા કે જેઓ પૂરા ઓળખાયા વિના સૌથી વધુ વખોડાયા છે. સ્વભાવે શાંત, રમૂજી, બીજાને મદદ કરવામાં હંમેશા આગળ, બિનસાંપ્રદાયિક વ્યક્તિત્વ ધરાવતા મરીઝ હંમેશા પોતાની શરાબની લત માટે જ પંકાયેલા રહ્યાં. તેમના જીવન પ્રસંગોમાંથી એક પ્રસંગનો અહીં ઉલ્લેખ કરું તો મરીઝ પોતાની પત્ની સાથે મુંબઈની લોકલ બસમાં મુસાફરી રહ્યાં હતાં ત્યારે તેમની મુગ્ધાવસ્થાની પ્રેમિકા તેમને તે જ બસમાં જોવા મળી. મરીઝે એકદમ નિખાલસતાથી પત્નીને પોતાના ભૂતકાળ વિશે જણાવ્યું. થોડા સમય સુધી નિરીક્ષણ કર્યા બાદ તેમની પત્નીએ તેમને કહ્યું કે કેવી છે તમારી પ્રેમિકા ? તમારી સામે જોતી પણ નથી. મરીઝે કશું જ ન કહ્યું. પોતાના નિર્ધારિત બસ સ્ટેન્ડ પરથી ઉતરતા પહેલાં જ્યારે તેમની ભૂતપૂર્વ પ્રેમિકાએ તિરછી નજરથી જોયું ત્યારે મરીઝે પોતાની પત્ની કહ્યું કે, “બધો આધાર છે એના જતી વેળાના જોવા પર, મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ…”
આવા અનેક કિસ્સોઆની હારમાળાએ શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા. આ રસપ્રદ વાર્તાલાપ બાદ વ્યવસાયે સરકારી બાબુ પણ ઉચ્ચકોટીના કવિ હર્ષ બ્રહ્મભટ્ટ, અનેક પુરસ્કારોથી પુરસ્કૃત તથા ગુજરાતી ગઝલોને એક નવો વળાંક આપનારા જાણિતા કવિઓ ભાવેશ ભટ્ટ અને અનિલ ચાવડાએ ગઝલોનું પઠન કર્યું. એક પછી એક મરીઝની ગઝલોનું વાચન થતું ગયું અને સાહિત્ય રસિકો વાહ વાહ, દોબારા અને તાલીઓના તાલથી તેમને વધાવતા ગયા. મરીઝની ગઝલોના વાચન બાદ કવિઓએ સ્વરચિત ગઝલોની રજૂઆત કરી જેનો આસ્વાદ કરી રસિકોએ માણ્યો.
સાહિત્યના કાર્યક્રમમાં એક ચોક્કસ વર્ગ આવતો હોય છે પણ ટૂંકા સમયમાં આયોજિત આ કાર્યક્રમમાં એટલી મોટી સંખ્યામાં ગઝલ પ્રેમીઓ આવ્યા હતા કે તેમના માટે પ્લાસ્ટિકની ખુરશીઓની વ્યવસ્થા કરવી પડી. છેલ્લે સુધી લોકોનો રસ આ ગઝલોમાં ઝકડાયેલો રહ્યો, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને કાર્યક્રમને વિરામ આપવો પડ્યો. આ આખા કાર્યક્રમમાં ગુજરાતીલેક્સિકન પરિવાર અને ગુજરાતી સાહિત્ય પરિષદની ટીમે સાથે મળીને કામ કર્યું. તેમની આ મહેનત તાળીઓના ગડગડાટ સ્વરૂપે આપણને મળી.

LEAVE A REPLY

20 − eighteen =