ગુજરાત સરકારે સ્વીકાર્યું હતું કે, વર્ષ 2012માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમને પુનર્જિવિત કરવા માટે કેન્દ્રની સહાયથી રુ.287 કરોડનો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો અને મંજૂરી માટે તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહને પાઠવ્યો હતો. જોકે ત્યારબાદ 2014માં સીએમ મોદી ખુદ પીએમ બની ગયાં પરંતુ તેમણે જ પ્રપોઝ કરેલા આ પ્રોજેક્ટને હજુ સુધી મંજૂરી મળી નથી. ગુજરાત સરકરા દ્વારા આ કબૂલાત ત્યારે સામે આવી છે જ્યારે આવતા વર્ષે કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધીની જન્મ જયંતીના 150 વર્ષની ઉજવણી કરવા જઈ રહી છે.સોમવારે ગુજરાતના પ્રવાસન પ્રધાન ગણપત વસાવાએ સત્તાવાર રીતે જણાવ્યું કે, ‘2013ની સૂચી પ્રમાણે કેન્દ્ર સરકાર પાસે ગુજરાતના પડતર પડેલા મુદ્દાઓમાં ગાંધી આશ્રમને પુનર્જિવિત કરવાનો મુદ્દો પણ છે.’ સોમવારે વિધાનસભામાં વસાવા લેખિતમાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન સેખ અને હિમ્મતસિંહ પટેલના સવાલનો જવાબ આપતા હતા. તેમણે કહ્યું કે, ‘પાછલા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દે એકવાર ફોલોઅપ કરવામા આવ્યું હતું.’ગત વર્ષે સાબરમતિ આશ્રમની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતા મુલાકાતે આવેલ વડાપ્રધાન મોદી આ અંગે જાહેરાત કરશે તેવું માનવામાં આવતું હતું. જોકે હજુ સુધી આ પ્રોજેક્ટને મંજૂરી મળી નથી. જ્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે વડાપ્રધાન બન્યા બાદ બેવાર તેઓ તેમના સમકક્ષ વિદેશી નેતાઓને લઈને આશ્રમની મુલાકાતે આવી ચૂક્યા છે.ગુજરાત સરકારે સૌ પ્રથમ ગાંધી આશ્રમને પુનર્જિવિત કરવા માટેની રુપરેખા જુલાઈ 2009માં કેંદ્રિય પ્રવાસન વિભાગને આપી હતી. પરંતુ કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં ન આવતા રાજ્યની મોદી સરકારે ફરીવાર તેનું રીવાઇઝ્ડ વર્ઝન કેન્દ્રને સોંપ્યું હતું.  આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકારે ગાંધી આશ્રમના વિસ્તારને સાઇલેન્ટ એરિયા તરીકે જાહેર કરવાનો પ્લાન કર્યો હતો. જ્યારે ગાંધી આશ્રમ ખૂબ જ ગીચ કોમર્શીયલ અને રહેણાંક ધરાવતો વિસ્તાર છે તેમજ આશ્રમની ફરતે ભારે વાહનવ્યવહાર ધરાવતા રોડ આવેલ છે. જેથી આશ્રમને પુનર્જિવિત કરવાના પ્લાનમાં આ હેરિટેજ સાઇટના સ્ટક્ચર અને અસ્તિત્વને સંરક્ષણ આપવું તેમજ આશ્રમના ઐતિહાસિક બિલ્ડિંગની ફરતે જાહેર જગ્યાઓનું એકત્રિકરણ કરવું અને બાંધકામને મજબૂતાઈ આપવી જેવા મુદ્દાઓ હતા.