અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર રવિવારે, 7 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રંગારંગ પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, ઉત્તરાયણનું પતંગ પર્વ રાજ્યની વિકાસયાત્રા માટે ‘સ્કાય ઇઝ ધ લિમિટ’નું ઉડાન પર્વ અને સામાજિક સમરસતાનું પર્વ બની રહેશે. મકરસંક્રાંતિ – ઉત્તરાયણના ઉમંગ પર્વને રંગબેરંગી પર્વ સાથે એકતાથી મનાવીને સામાજિક સૌહાર્દ આનંદ ઉલ્લાસનો સંદેશ પ્રસરાવવો એ સમયની માંગ છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યપાલ ઓ.પી. કોહલીની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના સાનિધ્યે ૨૮મા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો રંગારંગ પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યપ્રધાને નવરાત્રિ અને ઉત્તરાયણનો પતંગોત્સવ ગુજરાતની વૈશ્ર્વિક ઓળખ – પહેચાન બની ગયા છે તેનો હર્ષ વ્યક્ત કરતાં ઉમેર્યું કે, ગુજરાતના જનજીવનને પર્વો-ઉત્સવોની ઉજવણીથી ધબકતું – વાઇબ્રન્ટ રાખવાનો આ અભિનવ વિચાર તત્કાલીન મુખ્યપ્રધાન અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિનો પરિપાક છે. સૌર ઊર્જાના મહાત્મ્યનો ઓચ્છવ ગણાવતાં તેમણે જણાવ્યું કે, આ ઉત્તરાયણ પર્વ પતંગ ઉડાન સાથે પર્યાવરણ રક્ષાનો પ્રાકૃતિક સ્ત્રોતથી શક્તિ મેળવી જનજીવનને સ્વસ્થ રાખવાનો પણ અનેરો ઉત્સવ છે. રૂપાણીએ પતંગોત્સવ – પતંગ ઉડ્ડયન દરમિયાન નિર્દોષ પંખીઓને કોઇ હાનિ ન પહોંચે તેનો ખાસ અનુરોધ કરતાં રાજ્ય સરકારે હાથ ધરેલાં કરૂણા અભિયાનની ભૂમિકા પણ આપી હતી. મુખ્યપ્રધાને મકરસંક્રાંતિથી ઉત્તર તરફનું સૂર્ય પ્રયાણ સૂર્યની ઉર્ધ્વગતિ ગુજરાત અને સૌ ગુજરાતીઓ માટે ઊર્ધ્વગતિનો સૌનો સાથ સૌનો વિકાસનો અવસર બને તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂકતાં જણાવ્યું કે, પતંગ એ મનુષ્યને આગળ વધવાની સાથે પ્રગતિનો અનેરો સંદેશ આપે છે. પતંગોત્સવ સ્વસ્થ પ્રતિસ્પર્ધાની ઊર્જાનો સંચાર કરે છે ત્યારે એકતા ધરાવતા આપણા સમાજમાં સૌ સાથે મળીને વિકાસ માટે આપણાં ઉત્સવો મહત્ત્વપૂર્ણ બની રહ્યા છે., ઉતરાયણનો આ ઉત્સવ પતંગ-દોરી, પવન-સૂર્યની જેમ એકમેકને સાથે મળીને આપણને સૌને આગળ, પતંગની જેમ નવી ઊંચાઈ આંબવાની પ્રેરણા આપશે.
રાજ્યપાલે ઉત્તરાયણ પર્વે અને ૨૦૧૮ના નૂતન વર્ષની શુભેચ્છાઓ પણ આ અવસરે પાઠવી હતી. રાજ્યના પ્રવાસન પ્રધાન ગણપત વસાવાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, પ્રવાસન વિભાગ દ્વારા ૭મી જાન્યુઆરીથી ૧૪મી જાન્યુઆરી સુધી રાજ્યના વિવિધ શહેરોમાં પતંગ મહોત્સવ ઉજવાશે.
આ વર્ષે ૪૪ દેશોના ૧૫૦થી વધુ, ૧૮ રાજ્યોના ૨૦૦થી વધુ અને ગુજરાતના ૩૦૦ પતંગબાજો પતંગોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. પતંગ મહોત્સવથી ૨.૮૨ લાખ લોકો રોજગારી મેળવી રહ્યા છે તેમજ રૂપિયા ૫૭૨ કરોડનું ટર્નઓવર આ પતંગ મહોત્સવથી થઈ રહ્યું છે.